[1] હું યહોવાની, મારા સંપૂર્ણ હૃદયથી આભારસ્તુતિ કરીશ; અને તેમના અદભૂત કૃત્યો હું પ્રત્યેક વ્યકિત સમક્ષ પ્રગટ કરીશ.
[2] હે દેવ, હું તમારામાં આનંદ પામીશ અને ખુશ થઇશ. સૌથી ઉયા દેવ હું તમારી પ્રશંશા કરતાં સ્તોત્રો ગાઇશ.
[3] જ્યારે મારા સર્વ શત્રુઓ પાછા ફરીને તમારાથી ભાગશે અને તેઓ ઠોકર ખાઇને નાશ પામશે.
[4] સૌથી ઉયા અને ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે. તમે મને ન્યાય કરીને મારી સજા નિશ્ચિત કરી છે.
[5] હે યહોવા, તમે વિદેશી રાષ્ટોને, અન્ય પ્રજાઓને અને દુષ્ટ લોકોનો નાશ કર્યો છે. અને તમે સદાને માટે તેઓના નામ ભૂંસી નાખ્યાં છે.
[6] હે યહોવા, સર્વ શત્રુઓનો અંત આવ્યો છે. અને સદાકાળ માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યા છે, તેના નામોનિશાન નથી રહ્યાં.
[7] પરંતુ યહોવા સદાકાળ રાજા તરીકે બિરાજે છે; અને તેમની રાજગાદી સદા ન્યાય કરવાં સ્થાયી છે.
[8] તે જગતનો ન્યાય નિશ્પક્ષતાથી કરે છે અને તે રાષ્ટોનો ન્યાય પ્રામાણિકતાથી કરે છે.
[9] યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે.
[10] જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
[11] યરૂશાલેમમાં વસનાર યહોવાના સ્તુતિગાન ગાઓ; ભૂલી ન શકાય તેવાં તેમના કૃત્યો જગતને જણાવો.
[12] કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.
[13] “હે યહોવા, તમે મારા પર દયા કરો, મને મોતના મુખમાંથી બચાવો, મને કેવું દુ:ખ છે! તે તમે જુઓ.
[14] જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”
[15] જે રાષ્ટોએ બીજાઓ માટે ખાડા ખોધ્યા હતા, તેઓ પોતેજ ખાડામાં પડયા છે. તેઓ પોતે ગોઠવેલા છટકામાં પોતેજ સપડાયા છે.
[16] યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.
[17] દેવને ભૂલનારા દુષ્ટોને નરકમાં ધકેલી દેવાશે. યહોવાને ભૂલનારા સઘળાં લોકો શેઓલમાં જશે.
[18] ભિખારીઓ કદીય ભૂલાઇ જશે નહિ. ગરીબોની આશા હંમેશ માટે નિરાશામાં નહિ ફેરવાય.
[19] હે યહોવા, ઊઠો; માણસને વધુ બળવાન થવા ન દેશો! ભલે રાષ્ટોનો ન્યાય તમારી સંમુખ થાય.
[20] હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.