[1] હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો? જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ; તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે! ને દેહ તલપે છે.
[2] તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા, પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
[3] કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
[4] હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ, ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
[5] મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું, અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
[6] જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે, આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
[7] તમે મને સહાય કરી છે, અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
[8] મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે, તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
[9] જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે, તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
[10] તેઓ તરવારથી માર્યા જશે, અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
[11] પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.