[1] હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
[2] કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આક્ષેપો મૂકે છે; તેઓ મારી સામે પોતાની જીભે જ જૂઠું બોલે છે.
[3] તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
[4] તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું.
[5] તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે; અને મારી પ્રીતિને બદલે તેઓ દ્વેષ કરે છે.
[6] મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો. અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
[7] અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને દોષી ઠરાવાય, અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
[8] તેનાં આયુષ્યનાં વષોર્ થોડાં અને ટૂંકા થાઓ; અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.
[9] તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ, અને તેની પત્ની વિધવા, થાઓ.
[10] તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
[11] જોરજુલમથી લેણદાર તેમનું બધું લઇ જાઓ; તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂંટી જાઓ.
[12] તેના પર દયા દાખવનાર કોઇ ન રહો; અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
[13] ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય! અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!
[14] યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો! માતાપિતાના પાપની તેને સજા મળે! અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
[15] તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
[16] કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
[17] બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
[18] શાપોને તેના વસ્રો થવા દો! શાપોને તેનું પીવાનું પાણી થવા દો! શાપોને તેના શરીર પરનું તેલ થવા દો.
[19] પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ; અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.
[20] જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે; તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
[21] પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો! ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો; તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
[22] હું ગરીબ છું અને તંગી અનુભવું છું; ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
[23] મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે. મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.
[24] ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
[25] હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું; જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે.
[26] હે યહોવા મારા દેવ, મને મદદ કરો; મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
[27] જેથી હે યહોવા, આ તારે હાથે તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે.
[28] તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ; કારણ તમે મને આશીર્વાદ આપો છો; જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
[29] મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ! અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.
[30] પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ; અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ.
[31] કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે; અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે; તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.