Skip to content
Opens in a new window

[1] હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે, હું તમારી સ્તુતિ કરીશ. ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.

[2] જાગો, ઓ વીણા અને સારંગી; ચાલો આપણે પ્રભાતને જગાડીએ.

[3] “હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”

[4] કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.

[5] હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો! ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!

[6] દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.

[7] દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ.

[8] ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે; એફ્રાઇમ માથાનો ટોપ છે અને, યહૂદિયા મારો રાજદંડ છે.

[9] મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે. અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે, હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”

[10] મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે? અને મને અદોમમાં કોણ દોરી જશે?

[11] હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?

[12] અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!

[13] અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

ગીતશાસ્ત્ર — Chapters