[1] હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો; તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
[2] તમે પ્રકાશથી વિંટળાયેલા છો, અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
[3] તમારા આકાશી ઘરનો પાયો; તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે; વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
[4] તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો, અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
[5] તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે, જેથી તે કદી ચલિત થાય નહિ.
[6] તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે; અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
[7] તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં, તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
[8] તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં; અને ખીણો ઊંડી થઇ ગઇ.
[9] તમે મહાસાગરોને હદ બાંધી આપી; જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
[10] તમે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; અને પર્વતોમાં વહેતી નદીઓ બનાવી.
[11] તેઓ સર્વ પ્રાણીઓને પાણી પૂરું પાડે છે; અને ગધેડાઓ ત્યાં તરસ છીપાવે છે.
[12] પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; અને વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.
[13] તમે પર્વતો પર વરસાદ વરસાવો છો; અને પૃથ્વી તમારાં કામનાં ફળથી તૃપ્ત થાય છે.
[14] તે ઢોરને માટે ઘાસ ઉપજાવે છે, તે આપણને ખેડવા છોડ આપે છે, અને તે છોડો આપણને જમીનમાંથી ખોરાક આપે છે.
[15] દેવે આપણને ખુશ કરવા માટે દ્રાક્ષ આપી, આપણી ત્વચાને નરમ કરવા તેલ અને શરીરને ટકાવી રાખવા રોટલી આપે છે.
[16] યહોવાનાં વૃક્ષ, એટલે લબાનોનનાં દેવદારો; જે તેણે રોપ્યાં હતાં તેઓ ધરાયેલાં છે.
[17] ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.
[18] ઊંચા પર્વતો પર જંગલી બકરાને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.
[19] ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું, ક્યારે આથમવું એ સૂર્ય હંમેશા જાણે છે.
[20] રાત્રિ અને અંધકાર તમે મોકલો છો; જંગલનાં પ્રાણીઓ ત્યારે બહાર આવે છે.
[21] પછી સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે; તેઓ દેવ પાસે પોતાનું ભોજન માંગે છે.
[22] પરોઢિયે તેઓ ગૂપચૂપ જંગલોમાં પાછા જાય છે; અને પોતાની ગુફાઓમાં સૂઇ જાય છેં.
[23] માણસ પોતાનો ઉદ્યમ કરવાં બહાર નીકળે છે; અને સાંજ સુધી પોતપોતાના કામ કરે છે.
[24] હે યહોવા, કેટલા છે તારા સર્જનો! તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે. તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
[25] જુઓ આ વિશાળ મહાસાગરમાં નાના અને મોટા કેટલા અસંખ્ય જીવજંતુઓ તથા જાનવરો તેની અંદર છે!
[26] અને જુઓ, વહાણો તેમાં આવજા કરે છે; વળી સમુદ્રમાં રમવાને મગરમચ્છ પેદા કર્યા છે.
[27] તમે તેઓને યોગ્ય ટાણે ખાવાનું આપો છો; તેથી આ સઘળાં જીવો તમારી વાટ જુએ છે.
[28] તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે; તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે
[29] તમે જ્યારે તેમની પાસેથી પાછા ફરો છો ત્યારે તેઓ ડરી જશે, તેઓનો પ્રાણ તેઓને છોડે છે અને તેઓ નબળા થઇને મૃત્યુ પામે છે તેમનાં શરીર પાછાં માટી બની જાય છે.
[30] પછી, જ્યારે તમે તમારો આત્મા મોકલો છો તેઓ ઉત્પન્ન થાય છે; અને પૃથ્વીની સપાટી તેઓથી ભરપૂર થાય છે.
[31] યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો; અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો.
[32] જ્યારે યહોવા પૃથ્વી પર દ્રૃષ્ટિ કરે છે, ત્યારે તે ડરથી કંપે છે; અને જ્યારે તે પર્વતોને સ્પશેર્ છે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.
[33] હું જીવનપર્યંત યહોવાની પ્રશંસાનાં ગીતો ગાઇશ; હું મારા છેલ્લા શ્વાસ સુધી યહોવાની સ્તુતિ કરીશ.
[34] તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે.
[35] પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે. હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! તમે યહોવાની સ્તુતિ કરો!