Skip to content
Opens in a new window

[1] યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.

[2] જે યહોવાના છોડાવાયેલા છે તેઓએ આ પ્રમાણે કહેવું જોઇએ, કે દેવે તેઓને તેમના શત્રુઓથી બચાવ્યા.

[3] પૃથ્વીના દૂર દૂરનાં ખૂણે ખૂણેથી અને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશામાંથી તેમણે પોતાના લોકોને સાથે ભેગા કર્યા.

[4] કેટલાંક ઉજ્જડ માગેર્ રણમાં ભટકતાં હતાં અને તેઓને વસવા નગર ન મળ્યું.

[5] તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં, અને નબળા પડી રહ્યાં હતાં.

[6] પોતાના સંકટમાં તેઓએ યહોવાને પોકાર કર્યો, અને યહોવાએ તેઓને દુ:ખમાંથી છોડાવ્યાં.

[7] યહોવા તેઓને, જ્યાં તેઓ વસવાટ કરી શકે તેવા નગરમાં સીધે રસ્તે દોરી ગયાં.

[8] દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!

[9] કારણ કે તે તરસ્યા આત્માને સંતોષે છે, અને ભૂખ્યા આત્માને ઉત્તમ વાનાઁથી તૃપ્ત કરે છે.

[10] કારણ કે તેઓએ દેવના વચનોની સામે બંડ પોકાર્યુ હતું તેમણે પરાત્પર દેવના બોધનો તિરસ્કાર કર્યો હતો.

[11] કેટલાંક લોકોને અંધારી જેલમાં સળિયા પાછળ તાળું મારીને કેદ કરવામાં આવ્યાં હતા.

[12] તેઓ તેમની મુશ્કેલીઓથી નરમ થઇ ગયાં છે. તેઓ લથડીને નીચે પડ્યાં, છતાં તેમને મદદ કરનાર કોઇ ન હતું.

[13] તેઓએ પોતાના સંકટમાં યહોવાને પોકાર કર્યો; એટલે તેણે તેઓને દુ:ખમાંથી તાર્યા.

[14] તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી કાઢી લાવ્યાં; અને બંધન તોડી નાખ્યાઁ.

[15] ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

[16] તેણે બંદીખાનાના પિત્તળના દરવાજા તોડી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો પણ તોડી નાખી.

[17] મૂર્ખ લોકો પોતાના પાપથી તથા પોતાની ભૂંડાઇથી સંકટમાં આવી પડે છે.

[18] સર્વ પ્રકારના ખોરાકથી, તેઓના જીવ કંટાળી જાય છે; અને મૃત્યુ તરફ પહોંચી જાય છે.

[19] પોતાના સંકટોમા તેઓ યહોવાને પોકારે છે; અને યહોવા તેઓને દુ:ખમાંથી તારે છે.

[20] તેઓ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે, અને તેણે તેઓને દુર્દશામાંથી ઉગાર્યા છે.

[21] ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.

[22] તેમને દેવને આભારસ્તુતિનાં અર્પણો આપવા દો. યહોવાના કાર્યોને ગીતો દ્વારા પ્રગટ થવા દો.

[23] જે નાવિકો સમુદ્રમાં એક બાજુએથી બીજી બાજુ સુધી નૌકા વિહાર કરે છે અને સમુદ્ર પર કૌશલ્યનું કામ કરે છે,

[24] તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે; અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે.

[25] તે આજ્ઞા આપે છે તો તોફાની પવનો ચડી આવે છે; તેથી મોજાઓ ઊંચા ઊછળે છે.

[26] મોજા સાથે તેઓના વહાણો ઊંચા ઊંચકાય છે; અને પાછા ઊંડાણમાં પટકાય છે; લાચાર સ્થિતિમાં ખલાસીઓની હિંમત ઓગળી જાય છે.

[27] તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે; અને તેમ તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.

[28] તેઓ સંકટમાં હોય ત્યારે “યહોવાને” પોકારે છે; તે તેઓને દુ:ખમાંથી કાઢે છે.

[29] તેણે તોફાનને અટકાવ્યા તથા મોજાઓને શાંત કર્યા છે.

[30] પછી તેઓ મહાસાગરની સ્થિરતાનો આનંદ માણે છે અને દેવ તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.

[31] તેમની આ કૃપા તથા માનવજાતને માટેના, તેનાં અદભૂત કાર્યો માટે; તેઓને યહોવાનો આભાર માનવા દો.

[32] લોકોની સભામાં યહોવાને મોટા મનાવો; અને વડીલોના મંડળમાં તેઓની સ્તુતિ કરો.

[33] તે જ્યાં નદીઓ છે ત્યાં રણ કરી દે; અને જ્યાં ઝરા વહે છે ત્યાં તરસી ભૂમિ કરી દે.

[34] વળી ત્યાં વસતાં લોકોની દુષ્ટતાને કારણે, ફળદ્રુપ ભૂમિને ખારવાળી બનાવે છે.

[35] વળી તે રણમાં સરોવર કરે અને કોરી ભૂમિમાં તે ઝરણાંઓને વહેતા કરે છે

[36] અને ત્યાં ભૂખ્યાંજનોને વસવા લાવે છે; જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે.

[37] તેઓ ખેતરમાં વાવેતર કરે છે, અને દ્રાક્ષાવાડીઓમાઁ રોપણી કરીને; તેઓ તેનાં ફળની ઊપજ ઉત્પન કરે છે.

[38] તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે; અને ઢોર-ઢાંખર પણ વધે છે.

[39] પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ તેમની વસ્તી જુલમો વિપત્તિઓ અને શોકથી ઓછી થાય છે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.

[40] તે અમીર ઉમરાવો ઉપર તે અપમાન લાવે છે, અને માર્ગ વિનાના રણમાં રખડતાં કરી દે છે.

[41] પણ પછી દેવ તે ગરીબ લોકોને તેમનાં દુ:ખોમાંથી બહાર કાઢયા અને તેમના કુટુંબોની સંખ્યા વધારી જે ઘેટાંના ટોળાઓની જેમ વધી હતી.

[42] તે જોઇને ન્યાયીઓ આનંદ પામશે; અને સઘળાં અન્યાયીઓનાં મોઢા બંધ થશે.

[43] જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.

ગીતશાસ્ત્ર — Chapters