[1] યહોવાનો આભાર માનો; કારણકે તે ભલા છે તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.
[2] ઇસ્રાએલના પ્રજાજનો, તેમની સ્તુતિ કરો આ શબ્દોથી, “તેમની કૃપા સદાય રહે છે.”
[3] હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ, “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
[4] યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”
[5] મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી; તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.
[6] યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે?
[7] યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે; તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ.
[8] માણસો પર ભરોસો રાખીએ તે કરતાં; યહોવા પર ભરોસો રાખીએ તે વધુ સારુ છે.
[9] સમર્થ રાજાઓના આશ્રયે જવું તે કરતાં; યહોવામાં આશ્રય મેળવવો તે વધું સારો છે.
[10] બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
[11] હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો; પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ.
[12] તેઓએ મને મધમાખીઓની જેમ ઘેર્યો હતો; પણ તેઓ સળગતાં કાંટાની જેમ તુરંત જ ઓલવાઇ ગયા છે. હું તેમને યહોવાનું નામ લઇને હરાવીશ.
[13] ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી.
[14] પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે; તે જ મારું તારણ થયા છે.
[15] સદાચારીઓના મંડપમાં, વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે, યહોવાનો જમણો હાથ બહાદુરીના કાર્યો કરે છે.
[16] યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે.
[17] હું મરીશ નહિ પણ હું જીવતો રહીશ; અને યહોવાએ કરેલા સર્વ કાર્યોને ઉચ્ચારીશ.
[18] યહોવાએ મને ભારે શિક્ષા કરી, પણ તેણે મને મૃત્યુને સ્વાધીન કર્યો નથી.
[19] ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ; અને યહોવાનો આભાર માનીશ.
[20] એ દ્વાર યહોવાની સમક્ષ જવાનું છે; યહોવાનો ભય રાખનાર ન્યાયીઓ તેમાં જશે.
[21] હે યહોવા, તમે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે; અને મારો ઉદ્ધાર કર્યો છે, હું તમારો આભાર માનું છું.
[22] જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
[23] આ કાર્ય તો યહોવાથી થયું છે; આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
[24] યહોવાએ આપણને આ દિવસ આપ્યો છે; આપણે તેમાં આનંદોત્સવ કરીએ.
[25] હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો; હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.
[26] યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવા મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.
[27] યહોવા તે જ દેવ છે અને તે અમારો પ્રકાશ છે. બલિદાન માટે બાંધેલા ઘેટાને વેદીના શિંગ તરફ લઇ જતાં ઉત્સવના સરઘસમાં તમે બધાં જોડાઇ જાઓ.
[28] તમે મારા યહોવા, હું તમારો આભાર માનીશ; તમે મારા દેવ છો, હું તમને મોટા માનીશ.
[29] યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.