[1] યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
[2] તેણે પોતાના કાન મારા તરફ ધર્યા છે; માટે હું તેમની પ્રાર્થના જીવનપર્યંત કરીશ.
[3] મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.
[4] ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો, “હે યહોવા મને બચાવો.”
[5] યહોવા ન્યાયી અને કૃપાળુ છે; આપણા દેવ ખરેખર માયાળુ છે.
[6] યહોવા અસહાયનું રક્ષણ કરે છે; હું છેક લાચાર બની ગયો હતો, ત્યારે તેણે મને બચાવ્યો.
[7] હે મારા આત્મા, વિશ્રામ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.
[8] તમે મારા પ્રાણને મૃત્યુથી અને મારી આંખોને આંસુથી અને મારા પગોને લથડવાથી બચાવ્યાં છે.
[9] હું જીવલોકમાં જીવતો રહીશ; અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ.
[10] “હું ઘણો દુ:ખી છું,” મે જ્યારે એમ કહ્યું ત્યારે પણ મેં તે માનવાનું ચાલું રાખ્યું છે.
[11] મારા ગભરાટમાં મેં કહી દીધું હતું કે, “સર્વ માણસો જૂઠાઁ છે.”
[12] યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને શો બદલો આપું?
[13] મારું રક્ષણ કરવા માટે તેમની માટે હું દ્રાક્ષારસનું અર્પણ લઇ જઇશ; અને હું દેવના નામે પોકારીશ.
[14] યહોવા સમક્ષ મેં જે માનતા લીધી છે, તે હું તેના સર્વ લોક સમક્ષ પૂર્ણ કરીશ.
[15] યહોવાની ષ્ટિમાં તેના ભકતનું મૃત્યુ કિંમતી છે.
[16] હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે, હે યહોવા, ખરેખર હું તમારો દાસ; તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો.
[17] હું તમારા માટે સ્તુત્યર્પણો ચડાવીશ, અને હું યહોવાના નામે પોકારીશ.
[18] મેં યહોવાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાઓ; તેમનાં સર્વ લોકો સમક્ષ હું પૂર્ણ કરીશ.
[19] હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ. યહોવાની સ્તુતિ થાઓ.