[1] મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ, તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
[2] યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો, તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા, અને મારા પગલા સ્થિર કર્યા.
[3] તેમણે આપણા દેવનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે; અને યહોવા પર ભરોસો રાખશે.
[4] જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે. તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
[5] હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
[6] તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી. તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી. તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
[7] મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
[8] હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું. તમારો નિયમ મારા હૃદયમાં છે.”
[9] એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે, હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
[10] મેં કયારેય તમારી નિષ્પક્ષતાને મારા હૃદયમાં છુપાવી નથી. મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા અને તારણ વિષે જાહેરાત કરી છે.
[11] હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો. તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.
[12] કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઇ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.
[13] હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો. હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
[14] હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓ ફજેત થાઓ અને પરાજય પામો જેઓ મારું નુકશાન કરવા માગે છે તેઓ શરમથી નાસી જાઓ.
[15] જેઓ મારી મજાક કરે છે; તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
[16] યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો. ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
[17] હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો; હે મારા દેવ, તમે મારા સહાયક તથા મુકિતદાતા છો; માટે હવે વિલંબ ન કરશો.