[1] હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
[2] મારો આત્મા યહોવાની મોટાઇ કરશે. આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
[3] આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ. અને તેના નામનો મહિમા વધારીએ.
[4] યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
[5] જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે; તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
[6] આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
[7] યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
[8] યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ. જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
[9] યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે; કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી.
[10] અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે, પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
[11] મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
[12] સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે? અને તમારામાંથી જીવન વહાલું કોને છે?
[13] તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો; ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો.
[14] દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો. શાંતિ શોધી તેની પાછળ લાગો.
[15] યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે. તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.
[16] દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે.
[17] યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે, અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે.
[18] યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે. જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે.
[19] ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
[20] યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે, તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
[21] દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે, અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
[22] યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.