[1] હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
[2] તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી.
[3] તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો, અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
[4] કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વષોર્ વીતી ગયેલી કાલના જેવાં છે! અને રાતના એક પહોર જેવાં છે!
[5] તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો; અમારું જીવન એક સ્વપ્ન જેવું છે, અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
[6] તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
[7] કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
[8] તમે અમારાં બધાં પાપો, અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો અને તે બધાં તમે જોઇ શકો છો.
[9] તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે વષોર્ પૂરાં કરીએ છીએ.
[10] અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
[11] તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
[12] અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો, જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
[13] હે યહોવા, અમારી પાસે પાછા આવો; પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
[14] પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો. જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
[15] અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો; અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વષોર્ આપો.
[16] તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
[17] અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.