[1] હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ, અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
[2] તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
[3] તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી. મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
[4] મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
[5] મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
[6] હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું, અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
[7] મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં, અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
[8] હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
[9] હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે, મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
[10] મારા હૃદયના ધબકારા વધી ગયા છે, આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
[11] મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે, અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
[12] શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે, મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
[13] મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે. પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી, પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
[14] સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે, હું એવા માણસ જેવો છું.
[15] હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
[16] મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
[17] હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ, મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
[18] હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
[19] જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
[20] ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.
[21] હે યહોવા, તમે મને તરછોડશો નહિ, હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
[22] હે યહોવા, મારા તારણના દેવ, તમે જલદી આવો અને મને મદદ કરો!