Skip to content
Opens in a new window

[1] હે યહોવા, મેં તમારું શરણું લીધું છે. મને શરમિંદો કરશો નહિ.

[2] મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો; મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.

[3] જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ, તમે મને તારવાની આજ્ઞા કરી છે કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.

[4] હે મારા દેવ, તમે મને દુષ્ટોના ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.

[5] હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો! મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.

[6] હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો. મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો. હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.

[7] હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું. પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.

[8] તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે, આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.

[9] વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.

[10] મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે, મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે; તેઓ અંદરો અંદર મસલત કરે છે.

[11] તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે, આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”

[12] હે દેવ, મારાથી દૂર ન જશો; તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો; અને મને સહાય કરો.

[13] મારા આત્માનાં દુશ્મનો ફજેત થઇને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઇ જાઓ.

[14] પણ હું તમારી નિત્ય આશા રાખીશ; અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.

[15] તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે. તેઓની સંખ્યા કેટલી મોટી છે તે હું જાણતો નથી.

[16] હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ! તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.

[17] હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે, ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.

[18] હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.

[19] હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?

[20] ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો.

[21] તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો, અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.

[22] હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ, હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ; હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.

[23] હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે, અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.

[24] મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે; જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.

ગીતશાસ્ત્ર — Chapters