[1] હે દેવ, સિયોનમાં અમે તમારી સ્તુતિ કરતાં શાંતપણે વાટ જોઇએ છીએ; અને અમે અમારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીએ છીએ.
[2] તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે.
[3] અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો.
[4] તેઓ કે જેઓને તમારા પવિત્ર મંડપનાં આંગણાઓમાં તમારી નજીક પહોંચવા તમે પસંદ કર્યા છે, તેઓ આશીર્વાદિત છે. તમારા ઘરની, એટલે તમારા પવિત્ર મંદિરની સારી વસ્તુઓથી અમે તૃપ્ત થયા છીએ.
[5] હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.
[6] દેવે તેમની અદભૂત શકિતથી પર્વતો રચ્યાં. તેઓ સાર્મથ્યથી સુસજજીત હતા.
[7] તોફાની “સમુદ્રોને” અને મોજાઓની ગર્જનાને, તથા લોકોનાં હુલ્લડને તમે શાંત કરો છો.
[8] આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો.
[9] તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છે. દેવની નદી પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે.
[10] તમે ખેતરનાં ચાસોને વરસાદનું પાણી આપો છો, વરસાદનાં ઝાપટાંથી તમે ભૂમિને નરમ કરો છો, અને તેમાં થતી ફસલને આશીર્વાદ આપો છો.
[11] તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો. તમે ઋતુઓના ચક્રને ખૂબ વિપુલતાથી પૂર્ણ કરો છો.
[12] વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.
[13] વળી ઘાસનાં બીડો ઘેટાઓના ટોળાથી ઢંકાઇ જાય છે, અને ખીણો ભરપૂર અનાજના પાકથી ઢંકાયેલી છે; આખી પૃથ્વી હર્ષનાદનાં પોકાર કરે છે. અને હા, તેઓ ગીતો ગાય છે.