Skip to content
Opens in a new window

[1] આકાશો દેવનાં મહિમા વિષે કહે છે. અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.

[2] પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે. દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.

[3] ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી. કોઇ અવાજ સંભળાતો નથી,

[4] પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે, સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે. તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.

[5] તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે, તે દોડની સ્પર્ધાના આનંદિત, તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.

[6] તે આકાશને એક છેડેથી નીકળી અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે. તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.

[7] યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે. તે આત્માને તાજગી આપે છે. યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે. તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.

[8] યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે. જે આંખોને પ્રકાશ આપે છે.

[9] યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદિ છે. યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે. તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.

[10] તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે. વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.

[11] કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.

[12] મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી, છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.

[13] મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.

[14] હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા; મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.

ગીતશાસ્ત્ર — Chapters