[1] હે દેવ, મારા પર દયા કરો, કારણ, મારો આત્મા તારા શરણ આપ્યો છે, આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઇશ.
[2] હું પરાત્પર દેવને પ્રાર્થના કરીશ, તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે.
[3] તે આકાશમાંથી સહાય મોકલશે અને મને બચાવશે. જેઓ મને નુકશાન કરવા માગે છે તેમનાથી મને ઉગારશે.
[4] મારું જીવન જોખમમાં છે. હું માનવભક્ષી સિંહોનાં જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું. તેમના દાંત તીર ને ભાલાં જેવા છે, તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે.
[5] હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.
[6] મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે, મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે; તેઓએ મારા માર્ગમાં ખાડો ખોધ્યો છે; જુઓ! તેમાંજ તેઓ પોતે પડી ગયા છે.
[7] હે દેવ! મારું હૃદય તૈયાર છે, મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે. હું દેવ સ્તોત્રો ગાઇશ.
[8] હે મારા આત્મા, મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાઓ, હું પ્રભાતમાં વહેલો જાગીશ, ને હું પરોઢને આવકાર આપીશ.
[9] હે યહોવા, હું રાષ્ટો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઇશ. બધા લોકો પાસે હું તમારા વિષે ગાઇશ.
[10] તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે. તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઉંચે પહોંચે છે.
[11] હે દેવ, તમે આકાશથી પણ ઊંચે છો. તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાઓ.