Skip to content
Opens in a new window

[1] હે યહોવા મારા દેવ, હું તમારો વિશ્વાસ કરું છું. મારી પાછળ પડેલા શત્રુઓથી તમે મારી રક્ષા કરો ને મને બચાવો.

[2] રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઇ ના હોય, એવું થવા દેશો નહિ.

[3] હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય; તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,

[4] અને જો મેં શાંતિમાં મારી સાથે રહેનારનું નુકશાન કર્યું હોય, અને વિના કારણે કોઇ શત્રુ પર હુમલો કર્યો હોય અને તેમની પાસેથી વસ્તુઓ લૂંટી હોય.

[5] તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે, અને તેઓ મારું પતન કરે; અને મને ધૂળમાં રગદોળી નાખે! અને મારા આત્માને મૃત્યુની જગાએ ધકેલી દેવાય.

[6] હે યહોવા, કોપ કરીને ઉઠો, મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ, હે યહોવા, મારા માટે જાગૃત થાઓ અને ન્યાયની માગણી કરો.

[7] હે યહોવા, સર્વ પ્રજાઓને તમારી સમક્ષ એકત્ર કરો. તમારા રાજ્યાસન પર ઉચ્ચસ્થાને પુન: બિરાજો.

[8] હે યહોવા, તમે સર્વ લોકોનો ન્યાય કરો છો, મને જાહેરમાં ન્યાયી ઠરાવો, અને તેઓ સમક્ષ મને તમે નિદોર્ષ ને પ્રામાણિક સાબિત કરો.

[9] હે યહોવા, દુષ્ટ લોકોના દુષ્ટ કાર્યોનો અંત લાવો. ન્યાયી અને નિષ્પક્ષ લોકોને ટેકો અને સાર્મથ્ય આપો, કારણ કે તમે ન્યાયી દેવ છો, અને બધાના હૃદય અને આત્મા જોઇ શકો છો.

[10] દેવ મારી ઢાલ છે, જે સત્ય અને ન્યાયી હૃદયવાળાને તારે છે.

[11] દેવ ન્યાયી ન્યાયાધીશ છે, તે સત્યતાથી ન્યાય કરે છે; તે સર્વ દુષ્ટો પર હંમેશા કોપાયમાન થાય છે.

[12] જો માણસ પાપનું પ્રાયશ્ચિત નહિ કરે, તો તે તેની તરવાર તીક્ષ્ણ કરશે. તેણે પોતાના ધનુષ્યને તાણીને સિદ્ધ કર્યુ છે.

[13] યહોવાએ તેને માટે ભયંકર હથિયાર સજ્જ કર્યા છે. અને પોતાના તીરોને અગ્નિથી સળગતાં કર્યા છે.

[14] એક દુષ્ટ માણસ દુષ્ટ કૃત્યો કરવાની યોજના બનાવે છે. તે દુષ્ટ કૃત્યોનો ગર્ભ ધારણ કરે છે અને જૂઠને જન્મ આપે છે.

[15] તેણે ખાડા અને ખાઇ ખોધ્યા છે. અને તે પોતેજ તેમાં જઇને પડશે.

[16] પોતાના દુષ્કૃત્યોથી તે પોતેજ મુશ્કેલીમાં મુકાશે; તે પોતાની ઉગ્રતાથી પોતેજ ત્રાસ સહન કરશે.

[17] હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

ગીતશાસ્ત્ર — Chapters