[1] જેઓ પવિત્ર જીવન જીવે છે, તથા યહોવાના નિયમોને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
[2] જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે, તેઓ સર્વ આશીર્વાદિત છે.
[3] તેઓ કદી ખરાબ કામ કરતા નથી, અને તેઓ યહોવાના ન્યાયી માર્ગની કેડીએ ચાલે છે.
[4] તમે અમને નિયમો આપ્યાં છે, તમે અમને તે હુકમોનું કાળજીપૂર્વક પાલન કરવા કહ્યું છે.
[5] મારા કાર્યો તમારા વિધિઓ સાથે સુમેળમાં રહે તેમ હું ઇચ્છુ છું.
[6] પછી જ્યારે હું તમારી બધી આજ્ઞાઓ અભ્યાસ કરીશ હું ક્યારેય શરમિંદો નહિં થાઉં.
[7] તમારા ખરા ન્યાયથી હું માહિતગાર થઇશ; ત્યારે શુદ્ધ હૃદયથી હું તમારો આભાર માનીશ.
[8] હું તમારા વિધિઓને અનુસરીશ, તેથી કૃપા કરી મને છોડશો નહિ!
[9] જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
[10] મેઁ મારા ખરા હૃદયથી તને શોધ્યો છે; તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે.
[11] મેં તમારા વચન કાળજી પૂર્વક મારા હૃદયમા રાખી મૂક્યા છે; જેથી, તમારી વિરુદ્ધ હું ફરી પાપ ન કરું.
[12] યહોવાની સ્તુતિ થાય! કૃપા કરીને મને તમારા વિધિઓ શીખવો.
[13] મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.
[14] સંપત્તિ કરતાં તમારા નિયમોમાં મને વધુ આનંદ મળે છે.
[15] હું તમારા શાસનોની ચર્ચા કરું છું, હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું.
[16] હું તમારા વિધિઓને માનું છું; હું તેમને ભૂલી જઇશ નહિ.
[17] મને તમારા સેવકને બદલો આપો; જેથી હુ જીવિત રહું અને તમારા વચનનું પાલન કરું.
[18] તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે; મારી આંખો ઉઘાડો.
[19] પૃથ્વી પર હું તો એક યાત્રી છું; તારી આજ્ઞાઓ મારાથી સંતાડ નહિ.
[20] મારું હૃદય તમારા ન્યાયવચનો માટે હંમેશા તીવ્ર ઝંખના કરે છે.
[21] તમે ઉદ્ધત લોકોને જેઓ તમારી આજ્ઞાઓને માનતા નથી. તેમને ઠપકો આપો છો.
[22] મહેણાં તથા અપમાનને મારાથી દૂર કરો; કારણકે મેં તારાં નિયમો માન્યાં છે.
[23] સરદારો પણ આસનો પર બેઠાબેઠા મારી વિરુદ્ધ બોલતા હતા; પણ તારા સેવકે તમારા વિધિઓનું મનન તો કર્યુ છે.
[24] હું તમારા નિયમોને માનું છું. અને હા, તેઓ મારા સલાહકારો પણ છે.
[25] હું મૃત્યુ પામવાની તૈયારીમાં છું. તમારા વચન આપ્યું હતું પ્રમાણે મને જિવડા.
[26] મેં મારા માગોર્ પ્રગટ કર્યા, અને તેઁ મને ઉત્તર આપ્યો; મને તારા વિધિઓ શીખવ.
[27] તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
[28] વ્યથાને કારણે, હું રૂદન કરું છું, દુ:ખને કારણે મારું હૃદય ભારે થઇ ગયું છે, તમે આપેલા વચન પ્રમાણે મને બળવાન કરો.
[29] તમે મને પ્રત્યેક ભૂંડાઇથી દૂર રાખો; કૃપા કરીને મને તમારા નિયમોને આધીન થવાનું શીખવો.
[30] તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે. તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
[31] હું વળગી રહ્યો છું તમારી આજ્ઞાઓને; મારે લજ્જિત થવું પડે એવું થવા ન દેશો.
[32] તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ; કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.
[33] હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ.
[34] મને સમજણ આપો, એટલે હું તમારા નિયમ પાળીશ; હા, મારા અંત:કરણથી તેને માનીશ.
[35] મને તમારા આજ્ઞાઓના માગેર્ દોરો. કારણકે હું તેમાં આનંદ માણું છું.
[36] તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર.
[37] વ્યર્થતામાંથી તમે મારી દ્રષ્ટિ ફેરવો; અને તમારા માગેર્ જીવન જીવવા માટે મને મદદ કરો.
[38] તમારું જે વચન ભય ઉપજાવનારું છે; તે તારા સેવકના લાભમાં દ્રઢ કર.
[39] જે અપમાનનો મને ડર છે; તે મારાથી દૂર કરો; કારણકે તારાં ન્યાયવચનો ઉત્તમ છે.
[40] તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
[41] હે યહોવા, તમારો અવિકારી પ્રેમ અને તમારા વચન પ્રમાણે મારું તારણ મારા પર આવો.
[42] તે મને અપમાનિત કરવાવાળાને જવાબ આપવા માટે સક્ષમ કરશે, હું તમારા વચનનો ભરોસો કરું છું.
[43] ક્યારેય મારા મુખમાંથી સત્યને દૂર ન લઇ જશો, હું તમારા ન્યાયવચનો ઉપર આધાર રાખું છું.
[44] હું સદાય તમારા નિયમોને આધીન રહીશ.
[45] તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.
[46] હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ, અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.
[47] તમારા નિયમો મને બહુ પ્રિય છે; તમારી આજ્ઞાઓમાં હું આનંદ માણું છું.
[48] હું તમારી આજ્ઞાઓ પાળવા મારા હાથ ઊંચા કરીશ, હું તેને ચાહું છું અને હું તેના વિશે મનન કરું છું.
[49] હું તમારો સેવક છું, કૃપા કરીને મને આપેલા તમારા વચનને યાદ કરો, તે વચન મને આશા આપે છે.
[50] મને મારા દુ:ખમાઁ આશ્વાસન મળ્યું છેં; અને તમારા વચને મને જિવાડ્યો છે.
[51] અભિમાની લોકો મારી મજાક કરે છે, પણ હું તમારા નિયમમાંથી પાછો હઠયો નથી.
[52] હે યહોવા, પુરાતન કાળથી પ્રચલિત તમારા ન્યાયવચનો મેં મારા બાળપણથીજ યાદ રાખ્યા છે. અને મને હંમેશા સાંત્વન મળ્યું છે.
[53] જે ભૂંડાઓ તમારા નિયમ અવગણના કરે છે; તેઓ પર મને ક્રોધ ઉપજે છે.
[54] તમારા વિધિઓ આ મારી જીવનયાત્રામાં મારા માટે આનંદદાયક સ્તોત્ર બન્યા છે.
[55] હે યહોવા, મને રાત્રે તમારા નામનું સ્મરણ થાય છે, અને હું તમારા નિયમો પાળુ છું.
[56] આ મારું આચરણ છે; હું તમારા શાસનો પાલન કરું છું.
[57] હે યહોવા, મારો વારસો છો તમે; હું વચનો પાળીશ તમારા, એમ મે કહ્યું છે.
[58] મેં મારા હૃદયની ઉત્કંઠાથી તમારી કૃપાની માંગણી કરી છે; તમારા વચન પ્રમાણે તમે મારા ઉપર દયા કરો.
[59] મેં મારા જીવનના રસ્તાઓ વિષે વિચાર કર્યો છે, અને પછી વળ્યો છું તમારા કરાર તરફ.
[60] તમારી આજ્ઞાઓ પાળવા માટે મેં ઉતાવળ કરી છે; જરાય મોડું કર્યુ નથી.
[61] મને દુષ્ટોનાં બંધનોએ ઘેરી લીધો છે; પણ તમારા નિયમોને હું ભુલ્યો નથી.
[62] હું મધરાતે ઊઠીને તમારા ન્યાયવચનો બદલ તમારો આભાર માનીશ.
[63] જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે, અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.
[64] હે યહોવા, પૃથ્વી તમારી કૃપાથી ભરેલી છે, મને તમારા વિધિઓ શીખવો.
[65] હે યહોવા, તમે તમારા સેવકને વચન આપ્યા પ્રમાણે, મારા માટે સારું જ કર્યુ છે.
[66] મને યોગ્ય ચપળતા શીખવો અને મને જ્ઞાન આપો, હું તમારા આજ્ઞાઓ પર વિશ્વાસ કરું છું.
[67] મેં દુ:ખ સહ્યું તે પહેલા મેં ઘણી ખોટી બાબતો કરી, પણ હાલમાં હું તમારા વચન પાળું છું.
[68] તમે ઉત્તમ છો અને ઉત્તમ કરો છો; મને તમારા વિધિઓ શીખવો.
[69] ધમંડી લોકો મારા વિશે જૂઠું બોલે છે, પણ હું તમારાં નિયમો ખરા હૃદયથી પાળીશ.
[70] તેઓનું અંત:કરણ સ્થૂળ છે; પણ હું તો તારા નિયમમાં પરમાનંદ પામું છું.
[71] મેં જે સહન કર્યુ તે મારા સારા માટે પૂરવાર થયું, એ રીતે હું તમારા વિધિઓ શીખ્યો.
[72] હજારો સોના ચાંદી કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે.
[73] તમે તમારા હાથેથી જ મને ઘડ્યો છે અને બનાવ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવો; અને તેનું પાલન કરવાની સમજ આપો.
[74] તમારો ભય રાખનારા, મને જોઇને આનંદ પામશે; કારણ મેં તમારી અને તમારા વચનોની આશા રાખી છે.
[75] હે યહોવા, હું જાણું છું કે તમે આપો છો તે વચનો સાચા અને ન્યાયી હોય છે. અને મને પીડા આપવાનું તમારા માટે ન્યાયી હતું.
[76] તમારા વચન પ્રમાણે તમારા સેવકને તમારી કૃપાથી આશ્વાસન ને પ્રેમ મળો.
[77] હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે.
[78] ભલે અભિમાનીઓ લજ્જા પામો, તેઓ મારા વિષે જૂઠું બોલ્યા છે અને ખોટી રીતે મારા પર આક્ષેપ કર્યા છે. છતાં હું તો તમારા શાસનોનું મનન કરું છું.
[79] ભલે તમારા ભકતો, જેઓ તમારો આદર કરે છે અને જેમને તમારા સાક્ષ્યો વિષે જ્ઞાન છે; તેઓ મારી પાસે આવો.
[80] તમારા નિયમોથી આધીનતામાં મારું હૃદય નિદોર્ષ શુદ્ધ રહો; તમારી દરેક ઇચ્છાને ચાહવામાં મારી સહાય કરો; જેથી મારે પોતાના વિષે લજવાવું ન પડે.
[81] મારો જીવ તમારા તારણ માટે વ્યથિત છે. પણ હું તમારા વચનની આશા રાખું છું.
[82] તમે જે બાબતો માટે વચન આપેલું તેના માટે રાહ જોવાનું મેં ચાલુ રાખ્યું છે. જેને કારણે મારી આંખો નબળી થઇ રહી છે. તમે મને ક્યારે આશ્વાસન આપશો?
[83] હું કચરાના ઢગલા પર પડેલી સૂકાયેલા ચામડાની કોથળી જેવો થઇ ગયો છું, પણ હું તમારા નિયમોને ભૂલતો નથી.
[84] કેટલા દિવસ છે તારા સેવકના? તમે મને સતાવનારાઓનો ન્યાય ક્યારે કરશો?
[85] જે ગવિર્ષ્ઠો તમારા નિયમો પ્રમાણે નથી વર્તતા; તેઓએ ખાડા ખોદ્યા છે મારા માટે.
[86] તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે. તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.
[87] તેઓએ લગભગ મને મારી નાખ્યો, છતાં મેં તમારા શાસનોનું પાલન કરવાનું છોડ્યું નહિ.
[88] તમારી કૃપા પ્રમાણે તમે મને જીવાડો; એટલે હું તમારા મુખની શિખામણ પાળીશ.
[89] હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
[90] તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે; તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
[91] તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ, તે સર્વ તમારા સેવકો છે.
[92] જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં; તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
[93] હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને, કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
[94] હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ, મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
[95] દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે; છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
[96] મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
[97] તમારા નિયમો પર હું કેવો પ્રેમ રાખું છું! હું આખો દિવસ તેમના વિષે મનન કરું છું.
[98] મારા શત્રુઓના કરતાં તમારી આજ્ઞાઓ મને વધુ બુદ્ધિમાન કરે છે; કારણકે મારી પાસે સર્વદા છે.
[99] મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારા સાક્ષ્યો વિષે અભ્યાસ અને ચર્ચા કરતો રહું છું.
[100] વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; કારણકે મેં તમારા નિયમો પાળ્યાં છે.
[101] હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માગોર્થી પણ પાછા વાળ્યા છે.
[102] તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી; કારણકે તમે મને તે શીખવ્યા છે.
[103] મારી રૂચિને તમારાં વચનો કેવા મીઠાઁ લાગે છે! મારા મુખને તે મધથીય વધુ મીઠાઁ લાગે છે.
[104] તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
[105] મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે; મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે.
[106] એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, “હું તમારા યથાર્થ ન્યાય શાસનો પાળીશ,” અને મેં તે પાળ્યા પણ ખરા.
[107] હે યહોવા, હું દુ:ખમાં કચડાઇ ગયો છું; તમારા વચનો પ્રમાણે મને જિવાડ.
[108] હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાય વચનો મને શીખવો.
[109] મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે; છતાં હું ભૂલતો નથી તારા નિયમને.
[110] દુષ્ટ શત્રુઓએ મારે માટે પાશ રાખ્યો છે; છતાં હું તમારાં શાસનોથી ભાગી ગયો નથી.
[111] હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.
[112] મેં મારા જીવનનાં અંત સુધી સદા તમારા નિયમોનું પાલન કરવા માટે મારા હૃદયથી જવાબદારી સ્વીકારી છે.
[113] બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું. પણ હું તમારા નિયમોને ચાહું છું.
[114] તમે જ મારી ઓથ તથા ઢાલ છો; મને તમારા વચનની આશા રાખું છે.
[115] દુષ્ટ મન વાળા માણસો મારાથી દૂર રહો, જેથી હું મારા યહોવાની આજ્ઞાઓ પાળું.
[116] તમારા વચન મુજબ મને ટેકો આપો જેથી હું જીવી શકું. મારી આશાઓને નિરાશ ન કરો.
[117] મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ. અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
[118] હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માગોર્ને પ્રગટ કરો છો.
[119] તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
[120] હું તમારા ભયથી કાંપુ છું, અને તમારા ન્યાયવચનનો આદર કરું છું.
[121] મેં જે સારું અને સાચું છે તે કર્યુ છે; યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો.
[122] તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો. ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો.
[123] તમારા તારણની અને પવિત્રવચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઇ ગઇ છે.
[124] તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો; અને તમારા વિધિઓ મને શીખવજો.
[125] હું તો તમારો સેવક છું, મને શાણપણનું વરદાન આપો, જેથી હું તમારા સાક્ષ્યોને જાણી શકું.
[126] હે યહોવા, હજુ સમય છે કઇંક પગલા ભરો; કારણકે દુષ્ટ માણસોએ નિયમોનું ખંડન કર્યુ છે.
[127] જ્યારે હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાય વધુ તમારી આજ્ઞાઓ પર પ્રેમ રાખું છું.
[128] તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું; અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
[129] તમારા નિયમો અદભૂત છે; તેથી હું તેમને આધિન છું.
[130] તમારા વચનો એક તિરાડ જેવા છે જે અંધારા ઓરડામાં પ્રકાશ પાથરે છે, અને તેથી એક સામાન્ય માણસ પણ સમજી શકે છે.
[131] તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે; હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું.
[132] તમારા પર પ્રેમ કરનારાઓ સાથે તમે જે રીતે વતોર્ છો; તેમ તમે મારા તરફ જોઇને મારા પર દયા કરો.
[133] હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો. કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.
[134] જુલમી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું.
[135] તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો; અને તમારા બધાં નિયમો મને શીખવો.
[136] તેઓ તમારા નિયમો પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધારા આંસુ વહે છે.
[137] હે યહોવા, તમે ન્યાયી છો, તમારા ન્યાયવચનો યથાર્થ છે.
[138] તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા, ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.
[139] તમારા માટેનો મારો ઉત્સાહ મને ક્ષીણ કરી રહ્યો છે, કારણ મારા શત્રુઓ તમારા નિયમોને ભૂલી ગયાં છે.
[140] તમારા શબ્દો તદૃન નિર્મળ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે.
[141] જો કે હું યુવાન છું અને લોકો મને માન આપતાં નથી, હું તમારા શાસનોને કદી ભૂલી જતો નથી.
[142] તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.
[143] મને ઉપાધિઓ અને આપત્તિઓએ જકડી લીધો છે. પરંતુ તમારી આજ્ઞામાં મારી પ્રસન્નતા રહે છે.
[144] તમારા સાક્ષ્યો સદાકાળ ન્યાયયુકત છે, માટે મને સમજણ આપ, જેથી હું જીવતો રહીશ.
[145] મેં ખરા હૃદયથી અરજ કરી છે, હે યહોવા, મને ઉત્તર આપ, હું તમારા નિયમોનું પાલન કરીશ.
[146] “મારું રક્ષણ કરો” મેં તમને પ્રાર્થના કરી છે; એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.
[147] પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી; અને મે તમારી વાતની આશા રાખી.
[148] તારા વચનનું મનન કરવા માટે; મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી.
[149] તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવા, તમારા ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
[150] તમારા નિયમનો ભંગ કરનારા અને દુષ્ટ પ્રપંચ ઘડનારા મારા પર હુમલો કરવા આવી રહ્યાં છે.
[151] હે યહોવા, તમે મારી નજદીક છો; અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
[152] લાંબા સમય પૂવેર્ તમારા સાક્ષ્યોમાંથી મેં જાણ્યું કે તમે તેઓને સદાને માટે સ્થાપ્યાં છે.
[153] મારા સંકટ સામે જુઓ અને મારી રક્ષા કરો; કારણ, હું તમારો નિયમ ભૂલતો નથી.
[154] મારી લડતને લડો અને મને બચાવો! મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
[155] દુષ્ટ અન્યાયીઓથી તારણ દૂર રહે છે; કારણકે તે તમારા નિયમો શોધતા નથી.
[156] હે યહોવા, તારી કરુણા ધણી મહાન છે; તારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડ.
[157] મને સતાવનારા, મારા શત્રુઓ ઘણા છે; છતાં હું તારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
[158] જ્યારે મેં વિશ્વાસઘાતીઓને જોયા; ત્યારે મેં તેમનો અસ્વીકાર કર્યો; કારણકે, તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
[159] હું તમારા શાસનો પર કેટલો બધો પ્રેમ રાખુ છું, તે ધ્યાનમાં લે જો હે યહોવા, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
[160] તમારા બધાં વચનો અથથી તે ઇતિ સુધી સત્ય છે; અને તમારા સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકવાના છે.
[161] મને સરદારોએ વિના કારણ સતાવ્યો છે; પણ મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
[162] જેમ કોઇકને મોટો ખજાનો મળે તેમ તમારા વચન મને રાજી કરે છે.
[163] હું અસત્યને ધિક્કારું છું, હું તેમનો તિરસ્કાર કરું છું પરંતુ હું તમારા નિયમને ચાહું છું.
[164] તમારા યથાર્થ અને ન્યાયી વચનોને કારણે, હું દિવસમા સાત વખત તમારી સ્તુતિ કરું છું.
[165] તમારા નિયમ પર પ્રેમ રાખનારાઓને અત્યંત શાંતિ મળે છે; તેઓને કોઇ પણ ઠોકર ખવડાવી શકે તેમ નથી.
[166] હે યહોવા, તમારા તારણની મેં આશા રાખી છે; કારણ, મે તમારી આજ્ઞાઓ પાળી છે.
[167] હું તમારા સાક્ષ્યોને અનુસર્યો અને તેથી હું તેમના પર ઘણો પ્રેમ રાખું છું.
[168] હું તમારા બધાં શાસનો અને સાક્ષ્યોને અનુસર્યો છું, હે યહોવા, હું જે કરું તે બધુ તમે જાણો છો.
[169] હે યહોવા, મારી પ્રાર્થનાઓ સાંભળો; અને તમે વચન આપ્યું છે તે પ્રમાણે મને સમજણ આપો.
[170] મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.
[171] મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારશે, કારણકે, તમે મને તમારા વિધિઓ શીખવો છો.
[172] મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો. કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.
[173] મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
[174] હે યહોવા, હું તારા તારણ માટે અભિલાષી છું; તમારો નિયમ એ જ મારો આનંદ છે.
[175] મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ.
[176] હું ભૂલા પડેલા ઘેટાઁની જેમ ભટકી ગયો છું; તમે આવો અને મને તમારા સેવકને શોધી કાઢો. કારણકે હું તમારી આજ્ઞાઓને ભૂલ્યો નથી.