[1] ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
[2] હા, “હું જાણું છું કે એમ જ છે. પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે?
[3] જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે, તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ.
[4] ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?
[5] તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.
[6] તે પૃથ્વીને હલાવીને પોતાના સ્થળેથી ખસેડે છે. અને તેના સ્થંભો કંપે છે.
[7] તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે.
[8] તેમણે એકલે હાથે આકાશને વિસ્તાર્યું છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે.
[9] જેમણે સપ્તર્ષિ, મૃગશીર્ષ તથા કૃત્તિકા, અને દક્ષિણનાં નક્ષત્રમંડળ સર્જ્યા છે.
[10] ઈશ્વર અદ્દભુત અને મહાન કાર્યોના કર્તા છે. હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.
[11] જુઓ, તે મારી બાજુમાંથી પસાર થાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી; તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઈ શકતો નથી.
[12] તે પકડી લે તો તેમને કોણ રોકી શકે? તેમને કોણ પૂછી શકે કે, ‘તમે શું કરો છો?’
[13] ઈશ્વર તેમનો કોપ પાછો ખેંચી નહિ લેશે; અભિમાનીઓને સહાય કરનારાઓ તેની આગળ નમી પડે છે.
[14] ત્યારે તેમને ઉત્તર આપવાને, તથા તેમની સાથે વાદવિવાદ કરવાને યોગ્ય શબ્દ ચૂંટી કાઢવાને હું કેટલો બધો અશક્ત છું?
[15] જો હું ન્યાયી હોત છતાં હું તેમને જવાબ આપી ન શકત; હું મારા ન્યાયાધીશ પાસે કાલાવાલા કરત.
[16] જો મેં તેમને બોલાવ્યા હોત અને તેમણે મને ઉત્તર આપ્યો હોત, તોપણ મને ખાતરી છે કે તે મારું સાંભળશે નહિ.
[17] તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે.
[18] તે મને શ્વાસ લેવા દેતા નથી, પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરે છે.
[19] જો આપણે બળ વિષે કહીએ કે, શા માટે તે બળવાન છે! અને જો ન્યાય વિષે બોલીએ ‘તો તે કહે છે, કે કોણ મને પ્રશ્ન પૂછી શકે?’
[20] જો હું નિર્દોષ હોઉં, તોપણ મારે પોતાને મુખે હું દોષિત ઠરીશ; જો હું સંપૂર્ણ હોઉં, તોપણ તે મને ભ્રષ્ટ ઠરાવશે.
[21] હું સંપૂર્ણ છું, પણ મારી પોતાની પરવા કરતો નથી હું મારા જીવનને ધિક્કારું છું.
[22] પરંતુ દરેક વસ્તુ સરખી જ છે. તેથી હું કહું છું કે તે જેમ દુષ્ટનો તેમ સંપૂર્ણનો પણ નાશ કરે છે.
[23] જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.
[24] પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે. ઈશ્વર તેઓના ન્યાયાધીશોના મુખ ઢાંકે છે. જો તે કૃત્ય તેઓનું ન હોય તો પછી બીજું કોણ કરે છે?
[25] મારા દિવસો એક દોડવીર કરતાં પણ વધારે ઝડપી છે. મારા દિવસો વેગે વહી રહ્યા છે અને તેમા કંઈ હિત નથી.
[26] તેઓ ઝડપથી પસાર થતા કાગળના વહાણની જેમ, તથા પોતાના શિકાર પર તૂટી પડતા ગરુડની જેમ ચાલ્યા જાય છે.
[27] જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઈશ. હું મારો ઉદાસ ચહેરો દૂર કરીને હસમુખો ચહેરો ધારણ કરીશ.
[28] હું મારી સઘળી વ્યથા વિષે ડરું છું. હું જાણું છું કે તમે મને નિર્દોષ નહિ ગણો.
[29] હું દોષિત જ ઠરવાનો છું; તો હું શા માટે ફોકટ શ્રમ કરું છું?
[30] જો હું બરફના પાણીથી મારું શરીર ધોઉં અને મારા હાથ ગમે તેટલા ચોખ્ખા કરું,
[31] તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે.
[32] કેમ કે તે મારા જેવા માણસ નથી કે હું તેમને ઉત્તર આપું, કે, અમે તેના ન્યાયાસન આગળ વાદીપ્રતિવાદી થઈએ.
[33] અમારી વચ્ચે કોઈ મધ્યસ્થ નથી કે, જે અમારા બન્ને ઉપર પોતાનો હાથ મૂકે.
[34] જો ઈશ્વર પોતાની સોટી મારા પરથી લઈ લે અને તે મને ડરાવે નહિ.
[35] તો હું તેમનો ડર રાખ્યા વગર બોલું. પણ જેમ હમણાં છે તેમ, હું તે કરી શકું નહિ.