[1] યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
[2] “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
[3] ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
[4] “હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
[5] હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
[6] પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
[7] “હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
[8] શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
[9] તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
[10] તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
[11] તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
[12] જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
[13] તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
[14] પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
[15] બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
[16] હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.
[17] એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
[18] તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
[19] પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.
[20] જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
[21] તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
[22] કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.
[23] જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.
[24] શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?