[1] પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
[2] “જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
[3] જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
[4] તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.
[5] પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે; તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.
[6] ઈશ્વરના ભયમાં તને ભરોસો નથી? તારા સદાચાર પર તને આશા નથી?
[7] હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે? અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?
[8] મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે, તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.
[9] ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે. તેઓના કોપની જ્વાલાઓથી તેઓ ભસ્મ થઈ જાય છે.
[10] સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ, અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે.
[11] વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે. અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.
[12] હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા.
[13] જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે, ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં,
[14] હું ભયથી ધ્રુજી ગયો અને મારાં સર્વ હાડકાં થથરી ઊઠયાં.
[15] ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઈ ગયો અને મારા શરીરનાં રૂઆં ઊભાં થઈ ગયાં.
[16] તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી. અને ત્યાં શાંતિ હતી. પછી મેં એવો અવાજ સાંભળ્યો કે,
[17] ‘શું માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોઈ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઈ શકે?
[18] જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.
[19] તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે. તેઓને તે કેટલા અધિક ગણશે?
[20] સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.
[21] શું તેઓનો વૈભવ જતો રહેતો નથી? તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.”