[1] સર્વશક્તિમાન ઈશ્વરે સમયો કેમ નિશ્ચિત કર્યા નથી? જેઓ તેમને જાણે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?
[2] ખેતરની હદને ખસેડનાર લોક તો છે; તેઓ જુલમથી ટોળાંને ચોરી જઈને તેમને ચરાવે છે.
[3] તેઓ અનાથોના ગધેડાઓને ચોરી જાય છે; અને વિધવાના બળદોને ગીરે મૂકવા માટે લઈ લે છે.
[4] તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે.
[5] જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.
[6] ગરીબ બીજાના ખેતરમાં મોડી રાત સુધી ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે.
[7] તેઓ આખીરાત વસ્ત્ર વિના ઉઘાડા સૂઈ રહે છે, અને ઠંડીમાં ઓઢવાને તેમની પાસે કશું નથી.
[8] પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે, અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભીડે છે.
[9] અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે. તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે.
[10] તેઓને વસ્ત્ર વિના ફરવું પડે છે; તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે, છતાં પણ તેઓ ભૂખ્યા રહે છે.
[11] તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે, અને દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષ પીલે છે અને તરસ્યા જ રહે છે.
[12] ઘણી વસ્તીવાળા નગરોમાંથી માણસો શોક કરે છે; ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તે છતાં ઈશ્વર તેઓના પ્રાર્થના સાંભળતા નથી.
[13] તેવો અજવાળા વિરુદ્ધ બળવો કરે છે; તેઓ તેનો માર્ગ જાણતા નથી અને તેમના માર્ગમાં ટકી રહેતા નથી.
[14] ખૂની માણસ અજવાળું થતાં જાગીને ગરીબો અને દરિદ્રીને મારી નાખે છે. અને રાત પડે ત્યારે તે ચોર જેવો હોય છે.
[15] જે વ્યક્તિ વ્યભિચાર કરે છે, તે સાંજ થવાની રાહ જુએ છે; તે એમ કહે છે કે, ‘કોઈ મને જોશે નહિ.’ તે તેનું મોં ઢાંકે છે.
[16] રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ચોરી કરે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં બારણાં બંધ કરીને પુરાઈ રહે છે; તેઓ અજવાળું જોવા માંગતા નથી.
[17] કેમ કે સવાર તો તેઓને અંધકાર સમાન લાગે છે; કેમ કે તેઓ અંધકારનો ત્રાસ જાણે છે.
[18] દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે; પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે. તે દ્રાક્ષવાડીમાં ફરી જવા પામતો નથી.
[19] અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે.
[20] જે ગર્ભે તેને રાખ્યો તે તેને ભૂલી જશે; કીડો મજાથી તેનું ભક્ષણ કરશે, તેને કોઈ યાદ નહિ કરે, આ રીતે, અનીતિને સડેલા વૃક્ષની જેમ ભાંગી નાખવામાં આવશે.
[21] નિ:સંતાન સ્ત્રીઓને તે સતાવે છે. તે વિધવાઓને સહાય કરતો નથી.
[22] તે પોતાના બળથી શક્તિશાળી માણસોને પણ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.
[23] હા, ઈશ્વર તેઓને નિર્ભય સ્થિતિ આપે છે. અને તે પર તેઓ આધાર રાખે છે; તેમની નજર તેઓના માર્ગો ઉપર છે.
[24] થોડા સમય માટે દુષ્ટ માણસ ઉચ્ચ સ્થાને ચઢે છે પણ થોડી મુદત પછી તે નષ્ટ થાય છે; હા, તેઓને અધમ સ્તિથિમાં લાવવામાં આવે છે; બીજા બધાની જેમ તે મરી જાય છે; અનાજના કણસલાંની જેમ તે કપાઈ જાય છે.
[25] જો એવું ના હોય તો મને જૂઠો પાડનાર; તથા મારી વાતને વ્યર્થ ગણનાર કોણ છે?”