[1] ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
[2] “નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.
[3] પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી. હા, એ બધું કોણ નથી જાણતું?
[4] મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.
[5] જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.
[6] લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે.
[7] પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.
[8] અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.
[9] દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે.
[10] બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.
[11] જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા?
[12] વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; અને પાકી વયમાં સમજણ હોય છે.
[13] પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે. સમજ અને સત્તા તો તેમની પાસે જ છે.
[14] ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી.
[15] જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે.
[16] તેમની પાસે બળ અને બુદ્ધિ છે; છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે.
[17] તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે.
[18] રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. અને તેમની કમરે સાંકળ બાંધે છે.
[19] તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે.
[20] વક્તાઓની વાણી તે લઈ લે છે. અને વડીલોનું ડહાપણ લઈ લે છે.
[21] રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
[22] તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે.
[23] તે પ્રજાઓને બળવાન બનાવે છે, તે તેઓનો નાશ પણ કરે છે.
[24] તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે; અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે.
[25] તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે.