Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:50

[1] “શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી?

[2] આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ. અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ,

[3] તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.

[4] સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.

[5] મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.

[6] મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.

[7] યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.

[8] જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ; તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.

[9] જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ.

[10] તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ; હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.

[11] માટે હું મારું મુખ બંધ નહિ રાખું; મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.

[12] શું હું સમુદ્ર છું કે સમુદ્રનું અજગર છું કે, તમે મારો ચોકી-પહેરો રાખો છો?

[13] જ્યારે હું એમ કહું છું કે, ‘મારી પથારી મને શાંતિ આપશે, મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,’

[14] ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો અને સંદર્શનોથી મને ગભરાવો છો.

[15] ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.

[16] મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી; મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.

[17] મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો, અને તમે તેના પર મન લગાડો,

[18] રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?

[19] ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?

[20] જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું? તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે, તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું?

[21] તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

અયૂબ — Chapters