Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:44

[1] ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? શું તું જાણી શકે છે કે જંગલી હરણીઓ બચ્ચાંને જન્મ કેવી રીતે આપે છે?

[2] તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે?

[3] તેઓ નમીને તેઓનાં બચ્ચાંને જન્મ આપે છે, અને પછી તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે

[4] તેઓનાં બચ્ચાં મજબૂત અને ખુલ્લાં મેદાનોમાં ઊછરેલાં હોય છે; તેઓ બહાર નીકળે છે અને પાછાં ફરતાં નથી.

[5] જંગલી ગધેડાને કોણે છૂટો મૂક્યો છે? તેનાં બંધ કોણે છોડી નાખ્યા છે?

[6] તેનું ઘર મેં અરાબાહમાં, તથા તેનું રહેઠાણ મેં ખારી જમીનમાં ઠરાવ્યું છે.

[7] તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી.

[8] જંગલ ગર્દભો પર્વતો પર રહે છે, કે જ્યાં તેઓનું ચરવાનું ઘાસ છે; ત્યાં તેઓ પોતાનો ખોરાક શોધી કાઢે છે.

[9] શું તારી સેવા કરવામાં જંગલના બળદો આનંદ માણશે ખરા? તેઓ તારી ગભાણમાં રાત્રે આવીને રહેશે?

[10] શું તું જંગલના બળદને અછોડાથી બાંધીને ખેતરના ચાસમાં ચલાવી શકે છે? શું તે તારા માટે હળ ખેડશે?

[11] જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે? તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે?

[12] શું તું તેના પર ભરોસો રાખશે કે તે તારું અનાજ તારા ઘરે લાવશે? અને તારા ખળાના દાણા લાવીને વખારમાં ભરશે?

[13] શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે, પણ તેની પાંખો અને પીંછાઓ શું માયાળુ હોય છે?

[14] કેમ કે તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકીને જતી રહે છે અને ધૂળ ઈંડાને સેવે છે.

[15] કોઈ પગ મૂકીને ઈંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા હોતી નથી.

[16] તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાનાં હોય જ નહિ; તેનો શ્રમ નિષ્ફળ જાય છે તોપણ તે ગભરાતી નથી.

[17] કારણ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સર્જી છે અને તેમણે તેને અક્કલ આપી નથી.

[18] તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, ત્યારે તે ઘોડા અને તેના સવાર પર હસે છે.

[19] શું ઘોડાને બળ તેં આપ્યું છે? શું તેં તેની ગરદનને કેશવાળીથી આચ્છાદિત કરી છે?

[20] શું તેં તેને તીડની જેમ કદી કુદાવ્યો છે? તેના નસકોરાના સુસવાટાની ભવ્યતા ભયજનક હોય છે.

[21] તેના પંજામાં બળ છે અને તેમાં તે હર્ષ પામે છે; અને તે યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.

[22] તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.

[23] ભાથો, તીરો તથા ચમકતી બરછી તેના શરીર પર ખખડે છે.

[24] ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.

[25] જ્યારે પણ તેને રણશિંગડાનો નાદ સંભળાય છે ત્યારે તે કહે છે ‘વાહ!’ તેને દૂરથી યુદ્ધની ગંધ આવી જાય છે, સેનાપતિઓના હુકમો અને ગર્જનાઓ તે સમજી જાય છે.

[26] શું બાજ પક્ષી તારા ડહાપણથી આકાશમાં ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે?

[27] શું તારી આજ્ઞાથી ગરુડ પક્ષી પર્વતો પર ઊડે છે શું તેં તેને ઊંચે માળો બાંધવાનું કહ્યું હતું?

[28] ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે.

[29] “ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે; તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.

[30] તેનાં બચ્ચાં પણ લોહી પીવે છે; અને જ્યાં મૃતદેહો પડ્યા હોય ત્યાં ગીધ એકઠાં થાય છે.”

અયૂબ — Chapters