Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:22

[1] ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,

[2] “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?

[3] તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?

[4] શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?

[5] શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે.

[6] કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.

[7] તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,

[8] જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.

[9] તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.

[10] તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;

[11] જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.

[12] શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?

[13] તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?

[14] ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’

[15] જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ?

[16] તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.

[17] તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’ તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’

[18] તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.

[19] ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.

[20] તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’

[21] હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે.

[22] કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.

[23] જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.

[24] જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.

[25] તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.

[26] તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.

[27] તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.

[28] વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે.

[29] ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે.

[30] જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”

અયૂબ — Chapters