[1] પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,
[2] “અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે?
[3] બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે.
[4] જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો આ મને જણાવ.
[5] પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે. અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી?
[6] શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે? તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે?
[7] કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ ઈશ્વરના પુત્રો આનંદથી પોકાર કર્યો?
[8] જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા?
[9] જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો.
[10] મેં તેની બાજુઓની હદ બનાવી, અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી,
[11] મેં સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ; અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.’
[12] શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે? સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?
[13] માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે.
[14] જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે; સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે.
[15] દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે; અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે.
[16] તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે? તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે?
[17] શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે? શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે?
[18] તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે.
[19] પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? અંધકારનું સ્થાન ક્યાં છે?
[20] શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે? શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે?
[21] આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; અને તારા આયુષ્યના દિવસો લાંબા છે!
[22] શું તું બરફના ભંડારોમાં ગયો છે, અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે,
[23] આ સર્વ બાબતો આફતના સમયને માટે, અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે.
[24] જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે?
[25] વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?
[26] જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે,
[27] જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય, જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે.
[28] શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?
[29] કોના ગર્ભમાંથી હિમ આવે છે? આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે?
[30] પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે; અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે.
[31] આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે?
[32] શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?
[33] શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે?
[34] શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, કે જેથી પુષ્કળ વરસાદ આવે?
[35] શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે, તે તારી પાસે આવીને કહે કે, ‘અમે અહીં છીએ?’
[36] વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે? અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે?
[37] કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે? કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે
[38] જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે?
[39] શું તું સિંહણને માટે શિકાર પકડી શકે, અથવા તો શું તમે તેના જુવાન સિંહણના બચ્ચાના ભૂખને સંતોષી શકે છે?
[40] જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
[41] જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે અને ઈશ્વરને પોકાર કરે છે ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?