Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:56

[1] એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો.

[2] અયૂબે કહ્યું;

[3] “જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;

[4] તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ.

[5] તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ; તે પર વાદળ ઠરી રહો; તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.

[6] તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.

[7] તે રાત્રી એકલવાયી થઈ રહો, તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ.

[8] તે દિવસને શાપ દેનારા, તથા જેઓ વિકરાળ પ્રાણી અજગરને જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.

[9] તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.

[10] કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.

[11] હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો? જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો?

[12] તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો. અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?

[13] કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, હું ઊંઘતો હોત અને મને આરામ હોત.

[14] પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ, પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં;

[15] જે ઉમરાવો સોનાના માલિક હતા, તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે,

[16] કદાચ હું અધૂરો ગર્ભ હોત, તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;

[17] ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે ત્યાં થાકેલાં આરામ પામે છે.

[18] ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.

[19] બધા જ લોકો ત્યાં સમાન છે. ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.

[20] દુ:ખી આત્માવાળાને પ્રકાશ, અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?

[21] તેઓ મરવાની ઇચ્છા રાખે છે. છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.

[22] જ્યારે તેઓ કબરમાં જાય છે, ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.

[23] જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?

[24] કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે. અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે.

[25] કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે.

[26] મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી; પણ વેદના આવી પડ્યા કરે છે.”

અયૂબ — Chapters