[1] જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.
[2] તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી.
[3] નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
[4] પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
[5] તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
[6] હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
[7] શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
[8] શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
[9] તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
[10] તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
[11] શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે?
[12] તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
[13] છાના રહો, મને નિરાંતે બોલવા દો, મારા પર જે થવાનું હોય તે થવા દો.
[14] મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
[15] જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
[16] ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
[17] મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
[18] હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
[19] મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
[20] હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
[21] તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
[22] પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
[23] મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
[24] શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
[25] શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
[26] તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
[27] તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો;
[28] જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.