[1] અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
[2] તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે? તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
[3] તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો? મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
[4] હું તને તથા તારા મિત્રોને, જવાબ આપીશ.
[5] ઊંચે આકાશમાં જો; વાદળાં જો, જે તારા કરતાં કેટલા ઊંચા છે?
[6] જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો? જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?
[7] જો તું ન્યાયી હોય, તો તું તેમને શું આપી દે છે? તેઓને તારી પાસેથી શું મળવાનું છે?
[8] તારી દુષ્ટતા બીજા માણસને નુકશાન કરે છે, જેમ તું પણ માણસ છે તેમ. પણ તારા ન્યાયીપણાથી બીજા માણસનાં દીકરાને ફાયદો થાય છે.
[9] જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે; તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે
[10] પણ કોઈ એમ કહેતું નથી, ‘મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે, જે મને રાત્રે ગાયન આપે છે,
[11] જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં, અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?’
[12] તેઓ પોકાર કરે છે, પણ દુષ્ટ માણસનાં અભિમાનને કારણે કોઈ તેમને સાંભળતું નથી.
[13] નિશ્ચે ઈશ્વર દંભીઓની માંગણીઓ સાંભળશે નહિ; સર્વશક્તિમાન ઈશ્વર તેઓ તરફ ધ્યાન આપશે નહિ.
[14] તું કહે છે કે, તું તેમને જોતો નથી, ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે, તારી સર્વ બાબતો તેમની સમક્ષ છે માટે તું તેમની રાહ જો!
[15] તું કહે છે કે, ઈશ્વર કોઈને ક્રોધમાં સજા કરતા નથી ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે. અને તેઓ લોકોના અભિમાનની કદર કરતા નથી.
[16] “તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે; અને તે અજ્ઞાની શબ્દો ઉચ્ચારે છે.”