Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:29

[1] ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,

[2] “તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?

[3] આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.

[4] જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી ભૂલ મારી પાસે રહી.

[5] જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;

[6] તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.

[7] જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.

[8] ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.

[9] તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.

[10] તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.

[11] વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.

[12] તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.

[13] તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.

[14] સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.

[15] મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.

[16] હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.

[17] મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; મારા સગા ભાઈઓ અને બહેનોમારે આજીજી કરવી પડે છે.

[18] નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.

[19] મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.

[20] મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે. માંડમાંડ મારો જીવ બચ્યો છે.

[21] હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.

[22] શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?

[23] અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!

[24] અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!

[25] હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;

[26] મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ.

[27] તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.

[28] જો તમે કહો, ‘અમે તેને કેવો સતાવીશું,’ કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,’

[29] તો તલવારથી તમે બીહો, કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.”

અયૂબ — Chapters