Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:53

[1] અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,

[2] “ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,

[3] જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,

[4] નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.

[5] હું તમને ન્યાયી ઠરાવું એમ ઈશ્વર ન થવા દો; હું મૃત્યુ પામું, ત્યાં સુધી મારી નિર્દોષતા જાહેર કર્યા કરીશ.

[6] હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.

[7] મારા શત્રુને દુષ્ટની જેમ; મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.

[8] જો અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે છે, તો પછી તેને શી આશા રહે?

[9] જયારે તેના પર દુ:ખ આવી પડશે ત્યારે શું ઈશ્વર તેનો પોકાર સાંભળશે?

[10] શું તે સર્વશક્તિમાન ઈશ્વરથી આનંદ માનશે. અને સર્વ પ્રસંગે ઈશ્વરને વિનંતી કર્યા કરશે?

[11] ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.

[12] જુઓ, તમે તમારી પોતાની આંખોથી તે જોયું છે; છતાં મારી સાથે તમે શા માટે વ્યર્થ વાતો કરો છો?

[13] ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે

[14] જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તલવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે.

[15] તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુનો ભોગ બનશે. અને તેઓની વિધવા શોક કરશે નહિ.

[16] જો કે દુષ્ટ માણસ ધૂળની જેમ રૂપાના ઢગલેઢગલા એકત્ર કરે, અને કાદવની જેમ પુષ્કળ વસ્ત્ર બનાવી દે,

[17] તો તે ભલે બનાવે, પરંતુ ન્યાયીઓ તે વસ્ત્રો પહેરશે, અને નિર્દોષ લોકો તે ચાંદી માંહોમાંહે વહેંચી લેશે.

[18] કરોળિયાનાં જાળાં જેવા અને ચોકીદારે બાંધેલા છાપરાની જેમ, તે પોતાનું ઘર બાંધે છે.

[19] તે આરામથી પોતાની પથારીમાં સૂઈ જાય છે, પણ તેને આરામ મળશે નહિ; પણ જ્યારે તે પોતાની આંખ ખોલે છે ત્યારે સઘળું તેની સમક્ષથી જતું રહે છે.

[20] રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરીને લઈ જાય છે.

[21] પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઈ જાય છે, એટલે તે લોપ થાય છે; તે તેને તેની જગાએથી બહાર ખેંચી જાય છે.

[22] કેમ કે તે વાયુ તેનાં તરફ બાણ ફેંકશે અને દયા રાખશે નહિ; તે તેમના હાથમાંથી નાસી જવા માટે વ્યર્થ પ્રયત્ન કરે છે.

[23] તેના હાથો તાળી પાડીને તેની સામે ઠેકડી ઉડાવશે; તેની જગ્યાએથી તેનો ફિટકાર કરશે.

અયૂબ — Chapters