Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:09

[1] અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે,

[2] “મને થોડો વધારે સમય બોલવા દો, અને હું તને બતાવીશ કારણ કે હું ઈશ્વરના પક્ષમાં થોડા વધુ શબ્દો કહેવા માગું છું.”

[3] હું દુરથી ડહાપણ લાવીને; મારા સર્જનહાર ઈશ્વર ન્યાયી છે તે હું સાબિત કરીશ.

[4] હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે જે સંપૂર્ણ જ્ઞાની છે તે તારી સાથે છે.

[5] જુઓ, ઈશ્વર સર્વશક્તિમાન છે, અને તે કોઈનો પણ તિરસ્કાર કરતા નથી; તે મહા બુદ્ધિમાન અને વિદ્વાન છે.

[6] તેઓ દુષ્ટોને સાચવતા નથી, પણ ગરીબોના હિતમાં સારું કરે છે.

[7] ન્યાયી માણસ પરથી તેઓની દ્રષ્ટિ દૂર કરતા નથી, પણ તેથી વિપરીત, તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે, અને તેઓ સદા ઉચ્ચસ્થાન પર રહે છે.

[8] જો, જેથી કરીને તેઓને સાંકળોએ બાંધવામાં આવ્યા છે, અને તેઓ વિપત્તિમાં સપડાયા છે,

[9] તેઓએ શું કર્યું છે તે તેઓને જણાવશે, કે તેઓએ કરેલા અપરાધો અને કેવી રીતે અહંકારથી વર્ત્યા છે.

[10] તે તેઓના અપરાધોથી પાછા ફરવાનો આદેશ આપશે, અને શિક્ષણ તરફ તેઓના કાન ઉઘાડશે.

[11] જો તેઓ તેમનું સાંભળીને તેમની સેવા કરશે તો, તેઓ આયુષ્યના દિવસો સમૃદ્ધિમાં પસાર કરશે, તેઓના જીવનનાં વર્ષો સંતોષથી ભરેલાં થશે.

[12] પરંતુ જો, તેઓ તેમનું સાંભળશે નહિ તો, તેઓ અજ્ઞાનતામાં જ મરણ પામશે અને તેઓનો નાશ થશે.

[13] જેઓ પોતાના હૃદયથી ઈશ્વર પર ભરોસા રાખતા નથી તેઓ પોતાના હૃદયમાં ગુસ્સો ભેગો કરે છે; ઈશ્વર તેઓને શિક્ષા કરે છે તેમ છતાં તેઓ મદદને માટે પ્રાર્થના કરતા નથી.

[14] તેઓ તરુણાવસ્થામાં મરણ પામશે; અને કૃપા વિના તેઓના જીવનો નાશ પામશે.

[15] ઈશ્વર દુઃખીઓને તેઓના દુઃખમાંથી છોડાવે છે; અને તે તેઓને જુલમ દ્વારા સાંભળતા કરે છે.

[16] નિશ્ચે, તે તને વિપત્તિમાંથી બહાર લાવ્યા છે. જ્યાં સંકટ ન હોય તેવી વિશાળ જગ્યામાં લઈ જાય છે અને તને ખાવાને માટે પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે.

[17] તને એક દુષ્ટ વ્યક્તિની જેમ સજા થઈ છે; ન્યાયાસન અને ન્યાયે તને પકડ્યો છે.

[18] હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિ; અને મોટી લાંચ તને ન્યાય કરવાથી પાછો રાખે નહિ.

[19] શું તારી અઢળક સંપત્તિ તને સંકટથી દૂર રાખી શકે છે, અથવા તારી બધી શક્તિ તને મદદ કરી શકે છે?

[20] અન્યની વિરુદ્ધ પાપ કરવાને રાત્રીની ઇચ્છા ન કર, કે જ્યારે લોકો પોતાની જગ્યાએ નાશ પામે છે.

[21] સાવધ રહેજે, પાપ કરવા તરફ ન ફર, કારણ કે તને સંકટમાંથી પસાર કરાવ્યો છે કે જેથી તું પાપ કરવાથી દૂર રહે.

[22] જુઓ, ઈશ્વર તેમનાં સામર્થ્ય દ્વારા મહિમાવાન થાય છે; તેમના જેવો ગુરુ કોઈ છે?

[23] તેમણે શું કરવું એ કોઈ તેમને કહી શકે ખરું? અથવા કોણ તેમને કહી શકે છે કે, ‘તમે અન્યાય કર્યો છે?’

[24] તેમનાં કાર્યોની સ્તુતિ કરવાનું યાદ રાખ, લોકોએ ગાયનો મારફતે તેમની સ્તુતિ કરી છે.

[25] ઈશ્વરે જે કંઈ કર્યુ છે તે સર્વએ નિહાળ્યું છે, પણ તેઓએ તે કાર્યો દૂરથી જ જોયાં છે.

[26] જુઓ, ઈશ્વર મહાન છે, આપણે તેમને સંપૂર્ણપણે સમજી શક્તા નથી; તેમનાં વર્ષોની સંખ્યા અગણિત છે.

[27] તેઓ પાણીનાં ટીંપાં ઊંચે લઈ જાય છે અને તેનું ઝાકળ અને વરાળ વરસાદમાં રૂપાંતર કરે છે,

[28] તે વાદળોમાંથી પૃથ્વી પર વર્ષે છે, અને મનુષ્યો પર પુષ્કળતામાં વરસાવે છે.

[29] ખરેખર, વાદળોનો વિસ્તાર કેટલો છે અને તેનાં ગગનમંડપમાં ગર્જનાઓ કેવી રીતે થાય છે તેને કોણ સમજી શકે?

[30] જુઓ, તેઓ પૃથ્વી પર વીજળી ફેલાવે છે અને મહાસાગરને અંધકારથી ઢાંકી દે છે.

[31] આ રીતે ઈશ્વર લોકોને ખવડાવે છે, અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે.

[32] તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે, અને તેને પાડવાની હોય ત્યાં પડવાને આજ્ઞા કરે છે.

[33] તેઓની ગર્જના લોકોને આવનાર તોફાન વિષે ચેતવણી આપે છે: તે જાનવર દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.

અયૂબ — Chapters