Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:48

[1] પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;

[2] “હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.

[3] મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.

[4] શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?

[5] મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.

[6] હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.

[7] શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?

[8] દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.

[9] તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.

[10] તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.

[11] તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓનાં સંતાનો નાચે છે.

[12] તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.

[13] તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.

[14] તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.

[15] તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?

[16] જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.

[17] દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?

[18] તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?

[19] તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’ તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.

[20] તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.

[21] તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે?

[22] શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.

[23] માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.

[24] તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.

[25] પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.

[26] તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.

[27] જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.

[28] માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’

[29] શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,

[30] ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?

[31] તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?

[32] તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.

[33] ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.

[34] તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”

અયૂબ — Chapters