Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:58

[1] પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે.

[2] હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય?

[3] દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.

[4] તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને રોતેમ વૃક્ષનાં મૂળિયાં ખાય છે.

[5] તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે.

[6] તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.

[7] તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે; તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.

[8] તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.

[9] હવે તે માણસો મારી મશ્કરી કરે છે. હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું.

[10] તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.

[11] કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે. અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે.

[12] મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.

[13] તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.

[14] તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.

[15] મારા માથે વિનાશ આવી પડ્યો છે. તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે. મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે.

[16] હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે ઘણાં દુ:ખોના દિવસોએ મને ઘેરી લીધો છે.

[17] રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી.

[18] મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે. મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે.

[19] ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.

[20] ઓ ઈશ્વર હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.

[21] તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો. તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.

[22] તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો; તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો.

[23] હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.

[24] મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે? તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે?

[25] શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી? કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?

[26] મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.

[27] મારું અંતર ઊકળે છે. દુ:ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.

[28] હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.

[29] હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.

[30] મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.

[31] તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.

અયૂબ — Chapters