Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:08

[1] અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,

[2] “અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!

[3] ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.

[4] જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,

[5] તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.

[6] તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!

[7] ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.

[8] યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.

[9] સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.

[10] અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.

[11] કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા

[12] કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,

[13] જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.

[14] મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.

[15] હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.

[16] ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.

[17] હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.

[18] ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.

[19] મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.

[20] મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.

[21] લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.

[22] મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.

[23] તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.

[24] જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.

[25] હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.

અયૂબ — Chapters