Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:43

[1] ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો.

[2] ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, ડહાપણની વાતો સમજવામાં આવે,

[3] ડહાપણભરેલી વર્તણૂકની, નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે.

[4] ભોળા માણસને ચતુરાઈ મળે અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે.

[5] જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.

[6] કહેવતો તથા અલંકારો; જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય.

[7] યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે. મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.

[8] મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ.

[9] તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ અને તારા ગળાના હારરૂપ થશે.

[10] મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, તો તું તેઓનું માનતો નહિ.

[11] જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ.

[12] શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય.

[13] વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.

[14] તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”

[15] મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;

[16] તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.

[17] કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.

[18] આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે.

[19] ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.

[20] ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.

[21] તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,

[22] “હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?

[23] મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.

[24] મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.

[25] પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.

[26] માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.

[27] એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.

[28] ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.

[29] કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઇચ્છ્યું નહિ.

[30] તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો.

[31] તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.

[32] અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.

[33] પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”

નીતિવચનો — Chapters