[1] સારું નામ એ પુષ્કળ ધન કરતાં અને પ્રેમયુક્ત રહેમ નજર સોનારૂપા કરતાં ઇચ્છવાજોગ છે.
[2] દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કે યહોવાહે તે બન્નેના ઉત્પન્નકર્તા છે.
[3] ડાહ્યો માણસ આફતને આવતી જોઈને સંતાઈ જાય છે, પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.
[4] વિનમ્રતા તથા ધન, સન્માન તથા જીવન એ યહોવાહના ભયનાં ફળ છે.
[5] આડા માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જે માણસને જીવન વહાલું છે તે તેનાથી દૂર રહે છે.
[6] બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ અને જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તેમાંથી તે ખસે નહિ.
[7] ધનવાન ગરીબ ઉપર સત્તા ચલાવે છે અને દેણદાર લેણદારનો ગુલામ છે.
[8] જે અન્યાય વાવશે તે વિપત્તિ લણશે અને તેના ક્રોધની સોટી વ્યર્થ જશે.
[9] ઉદાર દૃષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે કારણ કે તે પોતાના અન્નમાંથી દરિદ્રીને આપે છે.
[10] ઘમંડી વ્યક્તિને દૂર કર એટલે ઝઘડો પણ સમી જશે અને મારામારી તથા અપમાનનો અંત આવશે.
[11] જે હૃદયની શુદ્ધતા ચાહે છે તેના બોલવાના પ્રભાવને લીધે રાજા તેનો મિત્ર થશે.
[12] યહોવાહની દૃષ્ટિ જ્ઞાનીની સંભાળ રાખે છે, પણ કપટી માણસના શબ્દોને તે ઉથલાવી નાખે છે.
[13] આળસુ કહે છે, “બહાર તો સિંહ છે! હું રસ્તામાં માર્યો જઈશ.”
[14] પરસ્ત્રીનું મુખ ઊંડી ખાઈ જેવું છે; જે કોઈ તેમાં પડે છે તેના ઉપર યહોવાહનો કોપ ઊતરે છે.
[15] મૂર્ખાઈ બાળકના હૃદયની સાથે જોડાયેલી છે, પણ શિક્ષાની સોટી તેનામાંથી તેની મૂર્ખાઈને દૂર કરશે.
[16] પોતાની માલમિલકત વધારવાને માટે જે ગરીબને ત્રાસ આપે છે અથવા જે ધનવાનને બક્ષિશ આપે છે તે પોતે કંગાલાવસ્થામાં આવશે.
[17] જ્ઞાની માણસોના શબ્દો ધ્યાનથી સાંભળ અને મારા ડહાપણ પર તારું અંતઃકરણ લગાડ.
[18] કેમ કે જો તું તેઓને તારા અંતરમાં રાખે અને જો તેઓ બન્ને તારા હોઠો પર સ્થિર થાય તો તે સુખકારક છે.
[19] તારો ભરોસો યહોવાહ પર રહે, માટે આજે મેં તને, હા, તને તે જણાવ્યાં છે.
[20] મેં તારા માટે સુબોધ અને ડહાપણની ત્રીસ કહેવતો એટલા માટે લખી રાખી છે કે,
[21] સત્યનાં વચનો તું ચોક્કસ જાણે જેથી તને મોકલનાર છે તેની પાસે જઈને સત્ય વચનોથી તું તેને ઉત્તર આપે?
[22] ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમ જ રસ્તાઓમાં પડી રહેલા ગરીબો પર પણ જુલમ ન કર,
[23] કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
[24] ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર.
[25] જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.
[26] વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
[27] જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
[28] તારા પિતૃઓએ જે અસલના સીમા પથ્થર નક્કી કર્યા છે તેને ન ખસેડ.
[29] પોતાના કામમાં ઉદ્યોગી હોય એવા માણસને શું તું જુએ છે? તે રાજાઓની હજૂરમાં ઊભો રહે છે; તે સામાન્ય લોકોની આગળ ઊભો રહેતો નથી.