Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:40

[1] નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.

[2] જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.

[3] યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.

[4] નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.

[5] મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.

[6] નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.

[7] જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.

[8] દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

[9] દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.

[10] સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.

[11] શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?

[12] તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી.

[13] અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.

[14] જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.

[15] જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.

[16] ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે.

[17] વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.

[18] ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.

[19] આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.

[20] ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.

[21] અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે.

[22] સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે.

[23] પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!

[24] જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે.

[25] યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

[26] દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે, પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે.

[27] જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.

[28] સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે.

[29] યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.

[30] આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.

[31] ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

[32] શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.

[33] યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.

નીતિવચનો — Chapters