Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:08

[1] જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે.

[2] ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે.

[3] ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે.

[4] જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે.

[5] જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

[6] સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.

[7] ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે.

[8] જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે.

[9] દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે.

[10] મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે.

[11] દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.

[12] જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો.

[13] જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ.

[14] કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.

[15] જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.

[16] જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય?

[17] મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે.

[18] અક્કલહીન વગરનો માણસ જ પોતાના પડોશીનો જામીન થાય છે.

[19] કજિયો ચાહનાર પાપ કરે છે; જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે.

[20] કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે.

[21] મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી.

[22] આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે.

[23] દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે.

[24] બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.

[25] મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે.

[26] વળી નિર્દોષને દંડ કરવો તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી.

[27] થોડાબોલો માણસ શાણો છે, ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.

[28] મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.

નીતિવચનો — Chapters