Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:25

[1] પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.

[2] માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.

[3] ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે.

[4] અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.

[5] ઉદ્યમીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.

[6] જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.

[7] દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે.

[8] અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.

[9] કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.

[10] દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.

[11] જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.

[12] ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે.

[13] જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.

[14] છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.

[15] નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.

[16] સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.

[17] મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ.

[18] નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે.

[19] કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.

[20] જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.

[21] જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે.

[22] જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.

[23] જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે.

[24] જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.

[25] આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.

[26] એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.

[27] દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય.

[28] જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.

[29] દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.

[30] કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.

[31] યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.

નીતિવચનો — Chapters