[1] મારા દીકરા, મારાં વચનો પાળ અને મારી આજ્ઞાઓ સંઘરી રાખ.
[2] મારી આજ્ઞાઓ પાડીને જીવતો રહે અને મારા શિક્ષણને તારી આંખની કીકીની જેમ જતન કરજે.
[3] તેઓને તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.
[4] ડહાપણને કહે કે “તું મારી બહેન છે,” અને બુદ્ધિને કહે, “તું મારી ઘનિષ્ઠ મિત્ર છે.”
[5] જેથી એ બન્ને તને વ્યભિચારી સ્ત્રીથી બચાવશે. તે ખુશામતના શબ્દો ઉચ્ચારનારી પરસ્ત્રીથી તારું રક્ષણ કરશે.
[6] કારણ કે એક વખત મેં મારા ઘરની બારી નજીક ઊભા રહીને જાળીમાંથી સામે નજર કરી;
[7] અને ત્યાં મેં ઘણાં ભોળા યુવાનોને જોયા. તેમાં એક અક્કલહીન યુવાન મારી નજરે પડ્યો.
[8] એક સ્ત્રીના ઘરના ખૂણા પાસેથી તે બજારમાંથી પસાર થતો હતો, તે સીધો તેના ઘર તરફ જતો હતો.
[9] દિવસ આથમ્યો હતો, સાંજ પડવા આવી હતી અને રાતના અંધકારનાં સમયે.
[10] અચાનક એક સ્ત્રી તેને મળવા બહાર આવી, તેણે ગણિકાના જેવાં વસ્ત્રો પહેર્યા હતાં અને તે જાણતી હતી કે તે શા માટે ત્યાં છે.
[11] તે કપટી અને મીઠું બોલનારી અને સ્વછંદી હતી, તેના પગ પોતાના ઘરમાં કદી ટકતા ન હતા;
[12] કોઈવાર ગલીઓમાં હોય, તો ક્યારેક બજારની એકાંત જગામાં, તો કોઈવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
[13] તે સ્ત્રીએ તેને પકડીને ચુંબન કર્યુ; અને નિર્લજ્જ મોઢે તેને કહ્યું કે,
[14] શાંત્યર્પણો મારી પાસે તૈયાર કરેલાં છે, આજે મેં પ્રતિજ્ઞા લીધી છે; આજે મેં મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.
[15] તેથી હું તને મળવા બહાર આવી છું. હું ક્યારની તને શોધતી હતી, આખરે તું મળ્યો છે.
[16] મેં મારા પલંગ ઉપર સુંદર ભરતકામવાળી ચાદરો પાથરી છે તથા મિસરી શણનાં સુંદર વસ્ત્રો બિછાવ્યાં છે.
[17] મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
[18] ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
[19] મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
[20] તે પોતાની સાથે રૂપિયાની થેલી લઈ ગયો છે; અને તે પૂનમે પાછો ઘરે આવશે.”
[21] તે ઘણા મીઠા શબ્દોથી તેને વશ કરે છે; અને તે પોતાના હોઠોની ખુશામતથી તેને ખેંચી જાય છે.
[22] જેમ બળદ કસાઈવાડે જાય છે, અને જેમ ગુનેગારને સજા માટે સાંકળે બાંધીને લઈ જવાય છે તેમ તે જલદીથી તેની પાછળ જાય છે.
[23] આખરે તેનું કાળજું તીરથી વીંધાય છે; જેમ કોઈ પક્ષી પોતાનો જીવ જશે એમ જાણ્યા વિના જાળમાં ધસી જાય છે, તેમ તે સપડાઈ જાય છે.
[24] હવે, મારા દીકરાઓ, સાંભળો; અને મારા મુખનાં વચનો પર લક્ષ આપો.
[25] તારું હૃદય તેના માર્ગો તરફ વળવા ન દે; તેના રસ્તાઓમાં ભટકીને જતો નહિ.
[26] કારણ, તેણે ઘણાંને ઘાયલ કર્યા છે, તેઓને મારી નાખ્યા છે; અને તેનાથી માર્યા ગયેલાઓની સંખ્યા પુષ્કળ છે.
[27] તેનું ઘર મૃત્યુના માર્ગે છે; એ માર્ગ મૃત્યુના ઓરડામાં પહોંચાડે છે.