Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:30

[1] અવળું બોલનારા મૂર્ખ શ્રીમંત કરતાં પ્રામાણિકપણાથી વર્તનાર ગરીબ વ્યક્તિ સારી છે.

[2] વળી ડહાપણ વગરની આકાંક્ષા સારી નથી અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.

[3] વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.

[4] સંપત્તિ ઘણા મિત્રો વધારે છે, પણ ગરીબ વ્યક્તિના મિત્રો તેને છોડી જાય છે.

[5] જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. અને શ્વાસે શ્વાસે જૂઠું બોલનાર માણસ સજાથી બચી જશે નહિ.

[6] ઉદાર માણસની મહેરબાની માટે ઘણા માણસો ખુશામત કરે છે અને દરેક માણસ દાતારનો મિત્ર થવા ચાહે છે.

[7] દરિદ્રીના સર્વ ભાઈઓ તેનો ધિક્કાર કરે છે, તેના મિત્રો વિશેષે કરીને તેનાથી કેટલે બધે દૂર જાય છે! તે તેઓને બોલાવે છે, પણ તેઓ ચાલ્યા ગયા છે.

[8] જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે. જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.

[9] જૂઠો સાક્ષી શિક્ષા પામ્યા વગર રહેશે નહિ, પણ જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.

[10] મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.

[11] માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે અને અપરાધની ક્ષમા આપવી એ તેનો મહિમા છે.

[12] રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ જેવી છે.

[13] મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે; અને કજિયાખોર પત્ની સતત ટપકતા પાણી જેવી છે.

[14] ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની યહોવાહ તરફથી મળે છે.

[15] આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ માણસને ભૂખ વેઠવી પડે છે.

[16] જે આજ્ઞાનું પાલન કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે, પણ જે પોતાના માર્ગો વિષે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.

[17] ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે અને તે તેને તેનાં સુકૃત્યોનો બદલો આપશે.

[18] આશા છે ત્યાં સુધી તારા બાળકને શિક્ષા કર અને તેનો નાશ કરવાને તું મન ન લગાડ.

[19] ઉગ્ર ક્રોધીને શિક્ષા ભોગવવી પડશે; જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.

[20] સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.

[21] માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.

[22] માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.

[23] યહોવાહનું ભય જીવનદાન અને સંતોષ આપે છે તેથી તેનું ભય રાખનાર પર નુકસાનકારક માર આવશે નહિ.

[24] આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું તેનું મન થતું નથી.

[25] તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.

[26] જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે બદનામ કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે.

[27] હે મારા દીકરા, જો તું ડહાપણની વાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું ડહાપણના શબ્દોને ખોઈ નાખીશ.

[28] દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે અને દુષ્ટનું મુખ અન્યાયને ગળી જાય છે.

[29] તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.

નીતિવચનો — Chapters