[1] આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.
[2] કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.
[3] જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે.
[4] ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.
[5] તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.
[6] રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
[7] ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
[8] દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?
[9] તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,
[10] રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.
[11] પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.
[12] જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે.
[13] ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.
[14] જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.
[15] લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે.
[16] જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
[17] તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
[18] પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
[19] સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.
[20] જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.
[21] જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.
[22] કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.
[23] ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
[24] કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
[25] જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
[26] જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.
[27] વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.
[28] જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.