Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:34

[1] લમૂએલ રાજાની માતાએ જે ઈશ્વરવાણી તેને શીખવી હતી તે આ છે.

[2] હે મારા દીકરા? ઓ મારા દીકરા? હે મારી માનતાઓના દીકરા?

[3] તારી શક્તિ સ્ત્રીઓ પાછળ વેડફીશ નહિ, અને તારા માર્ગો રાજાઓનો નાશ કરનારની પાછળ વેડફીશ નહિ.

[4] દીકરા લમૂએલ, દ્રાક્ષારસ પીવો તે રાજાને શોભતું નથી, વળી “દ્રાક્ષાસવ ક્યાં છે?” તે રાજ્યના હાકેમોએ પૂછવું યોગ્ય નથી.

[5] કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે, અને દુઃખીઓને નિષ્પક્ષ ન્યાય આપી શકતા નથી.

[6] જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષાસવ અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપ.

[7] ભલે તેઓ પીને પોતાની ગરીબીને વિસારે પડે, અને તેઓને પોતાનાં દુ:ખો યાદ આવે નહિ.

[8] જે પોતાના માટે બોલી શકતા નથી તેઓને માટે તું બોલ અને તું નિરાધારોના હક માટે સહાય કર.

[9] તારું મુખ ઉઘાડીને અદલ ઇનસાફ કર અને ગરીબ તથા દરિદ્રીને માન આપ.

[10] સદગુણી પત્ની કોને મળે? કેમ કે તેનું મૂલ્ય તો રત્નો કરતાં વધારે છે.

[11] તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપત્તિની કોઈ ખોટ પડશે નહિ.

[12] પોતાના આયુષ્યનાં સર્વ દિવસો પર્યંત, તે તેનું ભલું જ કરે છે અને કદી ખોટું કરતી નથી.

[13] તે ઊન અને શણ ભેગું કરે છે, અને ખંતથી પોતાના હાથે કામ કરવામાં આનંદ માણે છે.

[14] તે દૂરથી પોતાનું અન્ન લઈ આવનાર, વેપારીના વહાણ જેવી છે.

[15] ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.

[16] તે કોઈ ખેતરનો વિચાર કરીને તેને ખરીદે છે, પોતાના નફામાંથી તે પોતાને હાથે દ્રાક્ષવાડીઓ રોપે છે.

[17] પોતાની કમરે તે ખડતલ અને ભારે ઉધમી છે, તે પોતાના હાથ બળવાન કરે છે.

[18] તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે; તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.

[19] તે એક હાથે પૂણી પકડે છે અને બીજે હાથે રેંટિયો ચલાવે છે.

[20] તે ગરીબોને ઉદારતાથી આપે છે; અને જરૂરિયાતમંદોને છૂટે હાથે મદદ કરે છે.

[21] તેના કુટુંબના સભ્યોને માટે તે શિયાળાની કશી બીક રહેવા દેતી નથી, તેના આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.

[22] તે પોતાને માટે બુટ્ટાદાર રજાઈઓ બનાવે છે, તેના વસ્ત્રો ઝીણા શણનાં તથા જાંબુડા રંગનાં છે.

[23] તેનો પતિ નગર દરવાજે આદર પામે છે, અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તે પ્રતિષ્ઠિત છે.

[24] તે શણનાં વસ્ત્રો બનાવીને વેપારીઓને વેચે છે અને તેઓને કમરબંધ બનાવી આપે છે.

[25] શક્તિ અને સન્માન તેનો પોશાક છે. અને તે ભવિષ્ય વિષેની ચિંતાને હસી કાઢે છે.

[26] તેના મોંમાંથી ડહાપણની વાતો નીકળે છે, તેના જીભનો નિયમ માયાળુપણું છે.

[27] તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે અને તે કદી આળસની રોટલી ખાતી નથી.

[28] તે પોતાના ઘરના માણસોની વર્તનની બરાબર તપાસ રાખે છે; અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,

[29] “જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.”

[30] લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પરંતુ યહોવાહનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.

[31] તેના હાથની પેદાશમાંથી તેને આપો અને તેના કામોને માટે ભાગળોમાં તેની પ્રશંસા કરો.

નીતિવચનો — Chapters