[1] શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
[2] તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
[3] અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
[4] “હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
[5] હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
[6] સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
[7] મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
[8] મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
[9] સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
[10] ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો.
[11] કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
[12] મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
[13] યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
[14] ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે.
[15] મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે.
[16] મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
[17] મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
[18] દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
[19] મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
[20] હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
[21] જેથી મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપી શકું અને તેઓના ભંડારો ભરપૂર કરી શકું.
[22] યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
[23] સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
[24] જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.
[25] પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
[26] ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
[27] જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.
[28] જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં.
[29] જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા.
[30] ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
[31] તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
[32] મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.
[33] મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા; અને તેની અવગણના કરીશ નહિ.
[34] જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે; તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે.
[35] કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાહની કૃપા પામશે.
[36] પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.”