Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:03

[1] મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,

[2] તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.

[3] મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.

[4] તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.

[5] જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.

[6] હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.

[7] તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.

[8] છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.

[9] ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?

[10] તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”

[11] તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.

[12] નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,

[13] તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.

[14] તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.

[15] તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.

[16] છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:

[17] એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,

[18] દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,

[19] અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.

[20] મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.

[21] એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ.

[22] જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.

[23] કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.

[24] તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.

[25] તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.

[26] કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.

[27] જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?

[28] જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?

[29] એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.

[30] જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.

[31] પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.

[32] જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.

[33] તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.

[34] કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.

[35] તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.

નીતિવચનો — Chapters