[1] મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;
[2] કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.
[3] કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.
[4] તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે.
[5] તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
[6] તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.
[7] તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
[8] તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે.
[9] તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.
[10] એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
[11] મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.
[12] કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
[13] જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.
[14] કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.
[15] ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.
[16] તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.
[17] તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.
[18] જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.
[19] યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
[20] તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.
[21] મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
[22] તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.
[23] પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.
[24] જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
[25] જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
[26] કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
[27] હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.
[28] જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”
[29] જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.
[30] કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.
[31] દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.
[32] કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.
[33] યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.
[34] તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.
[35] જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.