[1] સુલેમાનનાં નીતિવચનો. જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
[2] દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.
[3] યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.
[4] નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
[5] ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.
[6] સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે, પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
[7] સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.
[8] જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે, પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
[9] જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે.
[10] જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે.
[11] સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
[12] દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
[13] જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.
[14] જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.
[15] દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.
[16] સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.
[17] જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
[18] જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.
[19] ઘણું બોલવામાં દોષની અછત નથી, પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે.
[20] સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહુ નીચું છે.
[21] નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.
[22] યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.
[23] દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે, પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે.
[24] દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
[25] વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.
[26] જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
[27] યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.
[28] સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.
[29] જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે, પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે.
[30] સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ, પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
[31] સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
[32] સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.