Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:14

[1] મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,

[2] ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;

[3] જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;

[4] જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;

[5] તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.

[6] કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.

[7] તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.

[8] તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.

[9] ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.

[10] તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.

[11] વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.

[12] તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,

[13] જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.

[14] જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.

[15] તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.

[16] વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.

[17] તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.

[18] કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.

[19] તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.

[20] તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.

[21] કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.

[22] પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.

નીતિવચનો — Chapters